વિજય રૂપાણીઃ જન્મભૂમિ રંગૂન, કર્મભૂમિ ગુજરાત

Wednesday 10th August 2016 10:03 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના ૧૬મા મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળનારા વિજય રૂપાણીએ તાજેતરમાં જ ૬૦મી વર્ષગાંઠ ઉજવી છે. વિજયભાઇનો જન્મ બીજી ઓગસ્ટ, ૧૯૫૬ના રંગૂન-બર્મામાં જૈન પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર બિઝનેસ માટે ત્યાં સ્થાયી થયો હતો. જોકે, ૧૯૬૦માં તેમનો પરિવાર રાજકોટ પરત ફર્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સ અને એલએલબીની ડિગ્રી મેળવેલી છે. તેમના પત્નીનું નામ અંજલીબહેન છે જ્યારે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

આરએસએસ સાથે નાતોઃ કોલેજમાં હતા ત્યારે તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાઇને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આરએસએસમાં જોડાયા હતા. ગુજરાત ભાજપના એકમાત્ર મંત્રી છે જેમણે કટોકટી વેળા જેલ ભોગવી છે. ૧૯૭૧થી આરએસએસમાં જોડાયા ત્યારથી નરેન્દ્ર મોદીના પરિચયમાં છે. ૧૯૯૬-૧૯૯૭ દરમિયાન રાજકોટના મેયર તરીકે પણ કામગીરી અદા કરી છે. ૨૦૦૬થી ૨૦૧૨ દરમિયાન રાજ્યસભાના સદસ્ય પણ રહી ચૂક્યા છે.
સંઘ અને શાહ સાથે નિકટતાઃ માત્ર આરએસએસ નહીં, અમિત શાહ સાથે પણ નિકટતા ધરાવે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે મોદી સમગ્ર દેશમાં અને અમિત શાહ ઉતર પ્રદેશ પર કેન્દ્રિત કરી રહ્યા હતા. આ સમયે બંનેએ રૂપાણીને ગુજરાતમાં પોતાના પ્રતિનિધિ બનાવ્યા હતા. ૨૦૧૪માં તેમણે પહેલી વાર વિધાનસભાની ચૂંટણી જીતી હતી. એ સમયે વજુભાઇ વાળા ગવર્નર બનતા તેમણે પોતાની બેઠક છોડી હતી. આ પછી થયેલી પેટા-ચૂંટણીમાં વિજય રૂપાણીએ વિજય મેળવ્યો હતો.
જોગિંગના શોખીનઃ તેઓ જોગિંગના શોખીન છે અને રાજકોટ વોકિંગ ક્લબના પ્રમુખ પણ છે. તેઓ દરરોજ દોઢ-બે કલાક જોગિંગ કરે છે.
રાજકીય કારકિર્દી
૧૯૭૬ઃ કટોકટી દરમિયાન ચળવળ, એક વર્ષની જેલ
૧૯૭૭-૮૦ઃ ભારતીય જનતા પાર્ટી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના જનરલ સેક્રેટરી
૧૯૮૮ઃ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા, બે ટર્મસુધી સ્ટે. ચેરમેન
૧૯૯૫ઃ રાજકોટના મયેર તરીકે વરણી
૧૯૯૯-૨૦૦૨ઃ ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન
૨૦૦૬ઃ ગુજરાત ટૂરિઝમ કોર્પો.ના ચેરમેન, રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા
૨૦૧૩ઃ ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન, ભાજપના જી.એસ. તરીકે ત્રીજી ટર્મ
૨૦૧૪ઃ પેટા ચૂંટણી માં રાજકોટ ૬૯ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા, મંતરી પાણ પૂરવઠા શ્રમ વાહવનવ્યવહાર મંત્રાલય
૨૦૧૬ઃ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી
૨૦૧૬ઃ ગુજરાતના મુખ્ય પ્રધાન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter