વિઝા અને ગ્રીન કાર્ડ માટે નકલી લૂંટ, અમેરિકામાં 11 ગુજરાતી ઝડપાયાં

Friday 20th March 2026 13:01 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ગેરકાયદે વસતા 11 ભારતીય નાગરિકો પર વિઝા ફ્રોડનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો છે. સરકારી વકીલોના આરોપનામા અનુસાર, આ લોકોએ ગ્રીન કાર્ડ મેળવવાના શોર્ટકટ તરીકે કન્વીનીયન્સ સ્ટોર્સમાં હથિયારના જોરે લૂંટનું નાટક રચ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓએ જાણીજોઈને દુકાનોમાં નકલી લૂંટની યોજના બનાવી હતી. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે સ્ટોરમાં કામ કરતા ક્લાર્ક ઈમિગ્રેશન અરજીઓમાં પોતાની જાતને ગુનાના ભોગ બનેલા તરીકે દર્શાવી શકે.
ખરેખર, આ સમગ્ર ષડયંત્ર ‘યુ વિઝા’ મેળવવા માટે રચાયું હતું. ‘યુ’ કેટેગરીના વિઝા એવા સ્થળાંતર કરનારાઓને અપાય છે જેઓ કોઈ ગંભીર ગુનાનો ભોગ બન્યા હોય, જેમણે માનસિક કે શારીરિક શોષણ સહન કર્યું હોય અને જેઓ પોલીસ તપાસમાં મદદરૂપ સાબિત થયા હોય. આ વિઝા તેમને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપે છે અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મોકળો કરે છે.
આ કેસમાં વિઝા છેતરપિંડીના આરોપસર જેમના નામ ખૂલ્યા છે તેમાં જિતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનકકુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિકેશ પટેલ, સોનન પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ આરોપી મેસેચ્યુસેટ્સ કેન્ટકી અને ઓહાયો જેવા રાજ્યોમાં ગેરકાયદે રહેતા હતા. આમાંથી દીપિકાબેન પટેલને ભારત ડિપોર્ટ કરી દેવાયા છે.
ચાર્જશીટ મુજબ, માર્ચ 2023માં ‘રામભાઈ’ નામના મુખ્ય સૂત્રધારે તેના સાથીદારો સાથે મળીને અનેક સ્ટોર્સ અને રેસ્ટોરાંમાં નકલી લૂંટ ચલાવી હતી. સીસીટીવી કેમેરા સામે બંદૂક જેવું હથિયાર બતાવી કેશિયરને ધમકાવવામાં આવતો અને ગલ્લામાંથી પૈસા લઈ લૂંટારો ભાગી જતો હતો. લૂંટારુ નાસી ગયાની પાંચ મિનિટ પછી ક્લાર્ક પોલીસને ફોન કરતો જેથી ઘટના અસલી લાગે. આ ક્લાર્કોએ આ પડયંત્રમાં સામેલ થવા માટે રામભાઈને પૈસા આપ્યા હતા. આ ગુનામાં મહત્તમ 5 વર્ષમાં જેલ અને 2,50,000 યુએસ ડોલરના દંડની જોગવાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter