ન્યૂયોર્ક: અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા દસ ગુજરાતીઓને બોસ્ટનની ફેડરલ ગ્રાન્ડ જયુરીએ વિઝાફ્રોડના હેતુથી કન્વીનિયન્સ સ્ટોર્સમાં બનાવટી લૂંટના કેસમાં દોષિત ઠેરવ્યા છે. તેમની સામે માર્ચમાં ફોજદારી ફરિયાદ નોંધાઇ હતી. ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ વિઝા ફ્રોડનું કાવતરું ઘડી બનાવટી લૂંટ આચરવાના આરોપસર દસેય ગુજરાતીને દોષિત ઠેરવ્યા છે. દોષિતોમાં જીતેન્દ્રકુમાર પટેલ, મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, દિપીકાબેન પટેલ મેસેચ્યુસેટ્સમાં ગેરકાયદે રહેતા હતા. અન્ય દોષિતોમાં રમેશભાઈ પટેલ, અમિતાબહેન પટેલ, રોનકકુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિન્કેશ પટેલ અને સોનલબેન પટેલનો સમાવેશ થાય છે. દસેય આરોપી સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી અને તેમને શરતી જામીન પર છોડાયા હતા. રમેશભાઈ પટેલ અને રોનકકુમાર પટેલને તરત ઈમિગ્રેશન કસ્ટડીમાં લઈ જવાયા હતા. દોષિતોને સજા પૂરી થયે ડિપોર્ટ કરવામાં આવશે.


