અમદાવાદઃ વિદેશ જવા ઇચ્છુક અરજદારોને વિઝા મળી ગયા બાદ તેમના ડોક્યુમેન્ટસ અપોસ્ટાઇલ કરાવવા અત્યાર સુધી દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં જવું પડતું હતું. દેશભરમાંથી આવતા અરજદારોનો ધસારો વધી જતાં હવે આ સેવા માટે દેશની ૩૭ RPO (પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ)ને ૧૦ ઝોનમાં વહેંચી દેવાઈ છે. જે પૈકી ગુજરાત, રાજસ્થાન અને દીવના અરજદારોની અપોસ્ટાઇલની સેવા હવે અમદાવાદ RPO ખાતેથી જ મળશે. વિદેશ મંત્રાલય દ્વારા લેવાયેલા આ નિર્ણયનો અમલ આગામી દિવસોમાં શરૂ થઇ જશે.
વિદેશમાં સ્થાયી થવા ઇચ્છતા વિઝાધારકોને દિલ્હી વિદેશ મંત્રાયલ ખાતે વિઝા સાથે જરૂરી ડોક્યુમેન્ટસ રજૂ કરીને પ્રમાણિત કરાવવા પડે છે. જે પ્રામાણિત થયેલા લિગલ ડોક્યુમેન્ટસને વિદેશ મંત્રાલય દ્વારા જ તે દેશની એમ્બેસી મોકલાય છે. એ ડોક્યુમેન્ટ ત્યાં ચેક થયા બાદ વિઝાધારકને જે તે દેશમાં જવાની પરવાનગી મળે છે. ભારતના વિદેશ મંત્રાલયમાં આ કામગીરી માટે અરજદારોનો ધસારો વધી રહ્યો છે. જેથી દેશની ૩૭ RPOને ૧૦ ઝોનમાં વહેંચી દેવાશે. રાજ્યના સ્થાનિક લોકોની પાસપોર્ટને લગતી ફરિયાદો નહીં સાંભળવા અમદાવાદ પાસપોર્ટ ઓફિસ પંકાયેલી છે ત્યારે આ નવી ફરજમાં તે સફળ નીવડશે કે કેમ તે પણ સવાલ છે.


