વડોદરાઃ સાઉથ આફ્રિકાની કંપનીમાં નોકરી અપાવવાની જાહેરાત આપીને ૨૦૦૦ લોકો પાસેથી કુલ રૂ. ૧.૮૦ કરોડ પડાવવાનો કારસો રચનાર મનહર રણા અને ઐયુબ રણા વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધાવાયો હતો જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
વડોદરાના સયાજીગંજ ફોનિક્સ કોમ્પલેક્સમાં વિશાલ એન્ટરપ્રાઈઝના નામે વિદેશ મોકલતા કરચિયાના મનહર રૂપસિંહ રણા અને ઐયુબ ખાન ઉર્ફે રાજુ પ્રતાપસિંહ રણાએ તાજેતરમાં હોટેલ રિવાઈવલમાં સાઉથ આફ્રિકા જવાનો ઈન્ટરવ્યુ ગોઠવ્યો હતો. તેની બે કંપનીનો ભાંડો ફૂટ્યા બાદ ફરિયાદ નોંધાતા બંનેની ધરપકડ કરાઈ હતી.
એપ્રિલ મહિનામાં પણ આ બંનેએ દુબઈમાં નોકરી અપાવવાનું કહી ૫૦૦ લોકોના પાસપોર્ટ અને મેડિકલના ખર્ચ પેટે રૂ. ૩ હજાર લઈ લીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બંનેની પોલ ખૂલતાં નવસારીના ૨૦ યુવાનો બંનેને આપેલા પાસપોર્ટ લેવા માટે પ્રતાપગંજ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. ૧૨૯ દક્ષિણ ભારતીયો અને ગુજરાતી યુવકો તેમના પાસપોર્ટ લેવા માટે કતારમાં ઉભા હતા.

