અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બિનનિવાસી ગુજરાતી કમિટીના સંયુક્ત ઉપક્રમે એનઆરજીઓનું સંમેલન ૧૩મી ડિસેમ્બરે યોજાયું હતું. આ સંમેલનમાં એનઆરજીઓના ગુજરાતના વિકાસમાં યોગદાન અંગે ચર્ચા થઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં જીસીસીઆઈના પ્રમુખ બિપીનભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને અંતમાં સિનિયર ઉપપ્રમુખ શૈલેષ પટવારીએ મહેમાનોની આભારવિધિ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યના ગર્વનર ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું કે, બિનનિવાસી ગુજરાતીઓ વિદેશમાં વસવા છતાં ગુજરાત સાથે સતત સંકળાયેલા રહે છે. તેઓ દેશ અને રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે તેમનાથી બનતું મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. લગ્ન જેવા સામાજિક રીતરિવાજ, પ્રવાસન, શિક્ષણ પ્રવૃત્તિઓ અને મેડિકલ પ્રવાસનના વિકાસમાં પણ તેમનો મહત્ત્વનો ફાળો રહેલો જોવા મળે છે. ગુજરાતીઓની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ વિદેશમાં રહેતા હોવા છતાં તેમની પરંપરાઓને નિભાવી જાણે છે અને મૂલ્યોને પણ જાળવી જાણે છે. એનઆરજીઓ ગુજરાત માટે મૂલ્યવાન મૂડી છે.
ગુજરાત યુનિ.ના સ્ટડિઝ અબ્રોડ પ્રોગ્રામ અને ડાયસ્પોરા સ્ટડિઝના સલાહકાર અને કોઓર્ડિનેટર ડો. નિરજા ગુપ્તાએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, એનઆરજીઓ વિદેશમાં રહીને પણ વતન સાથે ગાઢ રીતે જોડાયેલા દેખાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો મધ્ય ગુજરાતના નાનકડા ગામ ધર્મજની કુલ વસ્તી અત્યારે ૧૧,૫૦૦ અંકાઈ છે. એમાંથી ૬૦ ટકા લોકો તો વિદેશમાં જ વસે છે. આપણને આશ્ચર્ય થાય કે એનઆરઆઈ ધર્મજવાસીઓ વર્ષે રૂ. ૧૧૦૦ કરોડનું અનુદાન વતન મોકલે છે. તેવી જ રીતે કચ્છમાં આવેલા માધાપરના એક ગામમાં ફક્ત ૬૦૦ કુટુંબો વસવાટ કરે છે તેમાંથી મોટાભાગના વિદેશમાં વસે છે તેમાંના એનઆરજીઓ વર્ષે રૂ. ૨૫૦ કરોડનું અનુદાન વતનમાં વિકાસ માટે મોકલે છે. આ ઉપરાંત આપણા દેશના મેડિકલ ટુરિઝમમાં એનઆરજીઓનો વિશેષ ફાળો રહે છે એ આપણા માટે આર્થિક દૃષ્ટિએ સારી તક ગણાવી શકાય. એનઆરજીઓએ વિદેશમાં હોટેલ બિઝનેસમાં નામ કર્યું છે તે પણ ગર્વની વાત છે.
જીસીસીઆઈના એનઆરજી કમિટીના ચેરમેન કે એચ પટેલે જણાવ્યું હતું કે, વિદેશમાં વસતા ૨.૫ કરોડ ભારતીઓમાં લગભગ ૬૫ લાખ ગુજરાતીઓ છે. એનઆરજીઓ મોટેભાગે યુએસ, યુકે, કેનેડા, પૂર્વ આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ગલ્ફના દેશોમાં વસે છે. આમાંથી મોટાભાગના વેપાર-ઉદ્યોગમાં છે અને અમુક એન્જિનિયરિંગ, મેડિસીન અને ઈન્ફર્મેશન ટેકનોલોજીના કુશળો પણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા એનઆરજી વિભાગની સ્થાપના પછી ઓ.સી.આઈ. કાર્ડ અને ગુજરાત કાર્ડ જેવી પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. વિભાગની સ્થાપના પછી એનઆરજીઓ અને દેશમાં વસતા ગુજરાતીઓના લાભાર્થે ઘણા કાર્યક્રમોનું આયોજન થાય છે. જેમાં પણ એનઆરજીઓ સક્રિય રીતે ભાજ ભજવે છે.


