ગાંધીનગરઃ ગુજરાત સરકાર વહીવટી નિર્ણયોના અમલીકરણમાં અત્યારે ટ્વેન્ટી૨૦ મેચની જેમ કામ કરી રહી છે. ઘણા કામ કર્યા છે, અને હજુ ઘણા કામ કરવાના છે. ઝડપભેર નિર્ણયો લેવાઇ રહ્યા છે, અને તેનાથી પણ વધુ ઝડપે તેનો અમલ થઇ રહ્યો છે. રાજ્યના મિતભાષી મુખ્ય પ્રધાનશ્રી વિજયભાઇ રૂપાણી વાણી-વર્તનમાં જેટલી નમ્રતા, સાલસતા છલકે છે તેટલી જ દૃઢતા અને પ્રતિબદ્ધતાથી તેઓ તેમના શબ્દોનો અમલ પણ કરી જાણે છે.
શુક્રવાર, ૨૦ જાન્યુઆરીએ ‘ગુજરાત સમાચાર’-Asian Voiceના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ, બ્યૂરો ચીફ નીલેશ પરમાર અને વરિષ્ઠ પત્રકાર-કટારલેખક વિષ્ણુ પંડ્યાને આપેલી એક્સક્લુઝિવ મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાનનો આ અભિગમ જોવા મળ્યો હતો. મુલાકાત વેળા મુખ્ય પ્રધાને વિદેશવાસી ગુજરાતીઓ અને ગુજરાત સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાન સમક્ષ વતનના પ્રવાસે આવેલા વિદેશવાસી ગુજરાતીઓને રદ થયેલી કરન્સી બદલવામાં ભોગવવી પડતી હાલાકીનો પ્રશ્ન તાકિદના ધોરણે રજૂ થયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાની અમદાવાદ શાખા NRIની જૂની કરન્સી બદલવા માટે ઓથોરાઇઝ્ડ ન હોવાથી લોકોને છેક મુંબઇ સુધી લાંબા થવું પડે છે તે મુદ્દે ધ્યાન દોરાયું હતું. (વાંચો વિશેષ અહેવાલ ‘ગુજરાત સમાચાર’ અંક ૨૦ જાન્યુઆરી, ૨૦૧૭) NRI માટે માથાના દુખાવારૂપ બની રહેલી આ સમસ્યાનું નિવારણ લાવવા મુખ્ય પ્રધાનને અનુરોધ થયો હતો. રજૂઆત સાંભળીને તરત જ તેમણે દિલ્હી નાણા મંત્રાલયમાં ફોન જોડવા સુચના આપી. નાણા મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી જી. સી. મુર્મુ સાથે વાત કરીને NRIની મુશ્કેલી અંગે અમારી ઉપસ્થિતિમાં જ ધ્યાન દોર્યું અને સત્વરે ઘટતું કરવા જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ‘NRIની તકલીફ નિવારવા ગુજરાતના કમસે કમ એક શહેરમાં તો આ સુવિધા શરૂ કરવી જ જોઇએ.’
સમસ્યા નાની હોય કે મોટી, દરેકના સત્વરે ઉકેલ માટે મુખ્ય પ્રધાનનો આ જ અભિગમ રહ્યો છે. તેઓ કહે છે કે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતનું નામ વિશ્વતખતે ગાજતું થયું છે. તાજેતરમાં સંપન્ન થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ આનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે. દેશ-વિદેશની કંપનીઓએ ૨૫ હજારથી વધુ એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ) સાઇન કર્યા છે. આજે રાજ્યના વિકાસની સર્વત્ર નોંધ લેવાય છે, અને અમે આ વિકાસકૂચને આગળ વધારવા પ્રતિબદ્ધ છીએ.
રાજ્ય સરકાર આર્થિક વિકાસની સાથોસાથ છેવાડાના માનવીના વિકાસ માટે પણ કટિબદ્ધ છે. વિજયભાઇ કહે છે કે અમે ગઇકાલે (ગુરુવારે) જ મધ્ય ગુજરાત (છોટા ઉદેપુર)માં એક કાર્યક્રમ યોજીને ૭૦ હજારથી વધુ આદિવાસીઓને જમીન હક્કથી માંડીને વનપેદાશોનો ઉપયોગ કરવા સુધીના અધિકારો આપ્યા છે. આ સાથે જ આદિવાસીઓની વર્ષોજૂની માગણીનો અંત આવ્યો છે. આદિવાસીઓની સમૃદ્ધિ વધી રહી છે, આથી તેમનામાં અસંતોષ ફેલાવવાનો કોઇ પ્રયાસ કરશે તો પણ ફાવશે નહીં.
લાખો ગુજરાતીઓ દરિયાપારના દેશમાં વસે છે, અને દર વર્ષે હજારો ગુજરાતીઓ વતનની મુલાકાતે આવે છે. ગુજરાતીઓને એરપોર્ટ પર આગમન વેળા અનેક નાનીમોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સી. બી. પટેલે આ સમસ્યાના નિવારણ માટે સૂચન કર્યું હતું કે જો એરપોર્ટ પર NRI માટે જ વેલકમ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવે તો આ તકલીફો ઘણા અંશે દૂર થઇ શકે તેમ છે. આ સૂચન સાથે સંમતિ દર્શાવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે એરપોર્ટ સંચાલન સંબંધિત બાબતો કેન્દ્ર સરકાર હસ્તક હોય છે, પરંતુ આ અંગે તેઓ અવશ્ય સંબંધિત વિભાગને જાણ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય સ્તરે મેઇક ઇન ઇંડિયા, સ્વચ્છ ભારત જેવા અનેકવિધ અભિયાનો હાથ ધરાયા છે તેના અમલ માટે ગુજરાત સ્તરે કેવા પ્રયાસો ચાલી રહ્યા છે? તેવા પ્રશ્નના જવાબમાં વિજયભાઇ કહે છે મેઇક ઇન ઇંડિયા હોય કે સ્વચ્છ ભારત... દરેક કેમ્પેઇનમાં ગુજરાત ઉલ્લેખનીય પ્રદાન કરી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એક પ્રકારે વર્ષોથી મેઇક ઇન ઇંડિયા ઝૂંબેશને જ સાકાર કરે છે ને?! યોજનાઓના અમલીકરણમાં ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે, અને રહેશે.
રાજ્યમાં ટુરિઝમ ક્ષેત્રે વિકાસની વિપુલ તકો રહેલી છે તેનો ઉલ્લેખ કરતાં સી. બી. પટેલે કહ્યું હતું કે આ ક્ષેત્રના માધ્યમથી વિદેશવાસી ગુજરાતી યુવા પેઢીને વતન સાથે જોડી શકાય તો તે અન્યોન્ય માટે બહુ લાભકારક સાબિત થઇ શકે તેમ છે. ગુજરાત ટુરિઝમ દ્વારા આ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રીત કરીને વિશેષ પ્રયાસો કરવાની તાતી જરૂર છે. સૂચનને આવકારતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું વિદેશવાસી ગુજરાતીઓનો વતન સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવવાનો આ સારો વિકલ્પ છે. આ માટે ગુજરાત સરકાર જે કંઇ થઇ શકતું હોય તે કરવા માટે તત્પર છે.
આ પ્રસંગે સી. બી. પટેલે પણ વિદેશવાસી ભારતીયો અને ગુજરાત વચ્ચે સંપર્ક સેતુ બનવામાં શક્ય તમામ પ્રકારે સહાયરૂપ બનવા માટે તત્પરતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે વિદેશવાસી ભારતીયોની ભાવિ પેઢીનો દેશ, વતન સાથેનો સંપર્ક વધુ મજબૂત નહીં બને તો તે બન્ને પક્ષ માટે નુકસાનકારક બની શકે છે.
આ મુલાકાત દરમિયાન સી. બી. પટેલે બ્રિટનમાં વસતાં ગુજરાતી-ભારતીય સમુદાયનો ગુજરાત સાથેનો નાતો વધુ ગાઢ બને તે માટે મુખ્ય પ્રધાનને બ્રિટનના પ્રવાસે આવવા અને ગુજરાતી સમુદાય સાથે વિચારવિનિમય કરવાનું હાર્દિક આમંત્રણ આપ્યું હતું. મુખ્ય પ્રધાને આ આમંત્રણનો પ્રોત્સાહક પ્રતિસાદ આપતા કહ્યું હતું કે હાલ તો તેઓ અનેકવિધ કામગીરીમાં વ્યસ્ત છે, પરંતુ અનુકૂળતા હશે તો ચોક્કસ તેઓ બ્રિટનપ્રવાસનું આયોજન કરશે.


