ગાંધીનગર:વિદેશવાસી ગુજરાતીઓ હંમેશા તેમના વતન માટે વિશેષ લાગણી ધરાવતા હોય છે. જો તેઓ વતન માટે કંઇક ખાસ સેવા આપવા તત્પર હોય તો રાજ્ય સરકાર પણ તેમને તમામ સહાય કરવા આતુર છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ પણ થાય અને વિદેશી મૂડી દેશમાં આવે તેવા હેતુથી રાજ્ય સરકાર વતન સેવા યોજના શરૂ કરી રહી છે. આ માટે વિદેશવાસીઓને તેમના રાજ્યમાં ગામનો વિકાસ કરવા માટે દત્તક અપાશે. જેમાં શિક્ષણ, આરોગ્ય સેવા ઊભી કરવામાં સરકાર મદદ કરશે.
વિદેશવાસીઓમાં તેમનું વતન પ્રત્યેનું ઋણ અદા કરવાનો ભાવ જાગ્રત કરવા માટે રાજ્ય સરકાર દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓને પત્ર લખશે. સરકારે વિદેશમાં વસતા ગુજરાતીઓને એનઆરજી કાર્ડ આપીને વિવિધ સરકારી કામગીરીમાં પ્રાથમિકતા આપવાની સૂચના તો આપી જ છે હવે તેમને વિકાસના કામોમાં જોડવા માટેના પ્રયાસો શરૂ કરાયા છે. એનઆરજી પોતાના વતનમાં વસતા નાગરિકો માટે સ્કૂલ, શૌચાલય, હોસ્પિટલો સહિતની માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવે તે માટે પ્રેરિત કરાશે. સરકાર તેમને જમીન અને મંજૂરી સહિતની પ્રક્રિયાઓમાં તમામ પ્રકારે મદદ કરશે. વતન સેવા યોજના માટે સરકાર અત્યારે વિદેશમાં કેટલા ગુજરાતીઓ વસે છે તેની વિગતો એકત્ર કરી રહી છે. એક અંદાજ પ્રમાણે પાંચ લાખથી પણ વધુ ગુજરાતીઓ વિદેશમાં વસે છે, પરંતુ તેનો ચોક્કસ આંકડો સરકાર પાસે નહીં હોવાથી તમામ તલાટીઓને તેમના ગામના કેટલા લોકો વિદેશમાં વસે છે તેની વિગતો એકત્ર કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારે અગાઉ પણ આ યોજના વિચારી હતી, પરંતુ તેને અમલી બનાવી શકાઈ નહોતી. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા વિશ્વ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પ્રસંગે ઘણા વિદેશવાસી વતનીઓએ એવી ફરિયાદ કરી હતી કે તેઓ પોતાના વતન માટે કામ કરવા ઇચ્છે છે, પરંતુ સ્થાનિક કક્ષાએથી સહાય મળતી નથી, જેથી હવે એનઆરજી વિભાગ દ્વારા આ યોજનાની દરખાસ્ત તૈયાર કરી છે. સાથે સાથે વિવિધ વિભાગોને એનઆરજી તરફથી કોઈ પણ પ્રકારની અરજી આવે તો તેને પ્રાધાન્ય આપવા પણ સૂચના અપાઈ છે.