રાજકોટઃ કુવાડવા રોડ નજીકથી એસઓજીએ કોકેઈન અને એમફેટેમાઈન નામના ડ્રગ્સ સાથે ત્રણ જણાની ૧૩મીએ ધરપકડ થઈ હતી. પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ત્રણેય મુખ્યત્વે સ્કૂલ-કોલેજના છાત્રોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા. વધુ તપાસમાં બીજા ઘણા ગંભીર ખુલાસા થવાની સંભાવના છે. એસઓજીને બે માસ પહેલાં મળેલી બાતમી પછી તપાસના અંતે ૧૩ જાન્યુઆરીએ કુવાડવા પોલીસ મથકની સામે આવેલા પુની સામેની લાલપરી તરફના છેડા પાસેથી મિલન સંજયભાઈ ખખ્ખર (ઉં ૨૨), વિક્રમસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉં ૨૨), પાવન નટુભાઈ મકવાણા (ઉં ૨૧)ને ઝડપી લીધા હતા.
આ ત્રણેય આરોપી પાસેથી ૩૮.૫૪૦ ગ્રામ કોકેઈન, એમફેટેમાઈન ૧૬.૭૫૦ ગ્રામ મળી કુલ ૫૫.૨૯ ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. જેમાં ૧૦ ગ્રામ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. ૧ લાખ કિંમત થાય છે. આ રીત એસઓજીએ કુલ ૫,૫૨,૯૦૦ ડ્રગ્સ અને રોકડા મળી કુલ ૫,૫૩,૧૨૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

