ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં બની હોય તેવી ઘટનાઓ વખતના બજેટ સત્રમાં બની રહી છે. બજેટ રજૂ થયા પછીના દિવસોમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ગૃહની અંદર ઝપાઝપીની ઘટના પહેલી વાર બની હતી. જ્યારે બીજીએ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એક ફિક્સ પગારદાર ગોપાલ ઈટાલિયાએ તેમના પર ઉપરા છાપરી બે વખત જૂતાનો ઘા કરી દીધો. ત્યાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ઘટના પાછળ કોંગ્રેસનો હાથ હોવાની શંકા વ્યક્ત કરતા કોંગ્રેસના શક્તિસિંહે વાઘાણીની પરિપકવતા અંગે સવાલ ઉઠાવ્યો હતો.
દારૂબંધી હાય... હાય...
અમરેલીના દલિત સરપંચ હત્યાના મામલે મીડિયા સમક્ષ નિવેદન આપવા વિધાનસભાના સંકુલમાં આવેલા પ્રદીપસિંહ જાડેજાએ હજુ તો બોલવાનું શરૂ કર્યું કે તરત જ દારૂબંધી હાય.. હાય..., ભ્રષ્ટાચાર હાય... હાય... ના નારા સાથે ગોપાલ ઈટાલિયા નામનાં એક ફીક્સ પગારદારે એક પછી એક એમ બે વખત પ્રદીપસિંહ પર જૂતાના ઘા કર્યા. ગોપાલ પ્રદીપસિંહની સાતથી આઠ ફૂટ જેટલો નજીક પહોંચી ગયો હતો.
બે ઘડી માટે સ્તબ્ધ થઈ ગયેલા પ્રદીપસિંહ સ્વસ્થ થઈને જાતે ગોપાલને પકડવા બે પગલાં ચાલ્યા તે દરમિયાન સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો. તેમ છતાં ગોપાલે સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.
માનસિક અસ્વસ્થ
ગાંધીનગર રેન્જ આઇજી આર. બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ગોપાલ નામના ૩૦ વર્ષીય યુવાને કૃત્ય કર્યું છે તે અગાઉ પોલીસ કોન્સ્ટેબલ હતો અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને ફોન કરીને ઓડિયો વાયરલ કર્યો હતો.
હાલ યુવાન ધંધુકા પ્રાંત કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ તે માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગે છે.


