વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ: રાજ્યમાં કુલ સરેરાશ ૫૮ ટકા મતદાન

Tuesday 03rd November 2020 11:37 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં ગઢડા, અબડાસા, મોરબી, લીમડી, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ એમ વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે ૩જી નવેમ્બરે સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. કોરોના સંક્રમણ કાળમાં મતદાન મથકે ભીડ ન જામે તે માટે મતદાનના સમયમાં એક કલાકના વધારા સાથે સાંજે ૬:૦૦ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. તમામ ૮ બેઠક પર કુલ સરેરાશ ૫૮ મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ ડાંગ બેઠક પર ૭૪.૭૧ ટકા અને સૌથી ઓછું ધારી બેઠક પર ૪૫.૭૪ ટકા મતદાન થયું હતું.

કોંગ્રેસ ફરિયાદ કરતી રહી, ભાજપે મતદાન કરાવી દીધું

​​રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે, ૩જીએ સવારથી જ કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની અલગ અલગ ફરિયાદો થતી રહી તો બીજી બાજુ ભાજપે કોંગ્રેસને જવાબ આપવાને બદલે ભાજપ તરફી મતદાન થયા કરે તેના પ્રયત્નો કર્યાં હતાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ માટે આ પેટાચૂંટણી પરીક્ષા છે જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા માટે આઠેઆઠ બેઠક બચાવવાનો પડકાર છે. ૮ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ ૧૮.૭૫ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરીને ૮૦ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે. 

મુખ્ય પ્રધાને મતદારોનો આભાર માન્યો

મુખ્ય પ્રધાન રૂપાણીએ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની નીતિ-રીતિમાં વિશ્વાસ રાખીને ગુજરાતના મતદારોએ જે ભારે મતદાન કર્યું છે તે માટે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. મણિનગરમાં આવેલા હેડગેવાર ભવનમાં સરસંઘચાલક મોહન ભાગવતની મુલાકાતે ગયેલા મુખ્ય પ્રધાને વાતચીતમાં કહ્યું કે, ભાજપના એક-એક કાર્યકરે કોરોનાની મહામારી વચ્ચે પણ જે સંનિષ્ઠ કાર્ય કર્યું છે તેનાથી ભાજપની જીત નક્કી છે. આ મતદાન દર્શાવે છે કે, ગુજરાતના મતદારોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં વિશ્વાસ છે. લોકોને ભાજપની નીતિમાં વિશ્વાસ છે અને વિધાનસભાની ૮ બેઠકો પર ચોક્કસ જીતીશું. તેમણે કહ્યું કે,કોંગ્રેસ નિરાશ છે. આ ચૂંટણીમાં તે પોતાની હાર ભાળી ગઈ છે. તેથી વિવિધ પ્રકારના નિવેદનો કરીને પ્રજાને ગુમરાહ કરે છે.

ફરિયાદોનો દોર

• મોરબી વિધાનસભા મત વિસ્તારમાં મંગળવારે બપોરે મુખ્ય પ્રધાનનાં પત્ની અંજલિબહેન ભાજપના કાર્યકરો સાથે પ્રચાર કરતા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી હતી.

• કરજણના ઇટોલા-ગોસીન્દ્રામાં મતદારોને રૂપિયાની વહેંચણીનો વીડિયો વાઈરલ થતાં કોંગ્રસે ભાજપ પર રૂપિયા વહેંચ્યાની ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે મામલે તપાસના આદેશ આપ્યા છે.

• કરજણ બેઠકના સાધલી બુથ નં-૧૯૮માં કોંગ્રેસના બુથ એજન્ટ અલ્તાફ રંગરેજને વગર કારણે વારંવાર બુથ છોડીને DYSP પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા કરે છે તેવી ફરિયાદ કરી હતી.

• લીંબડીના ઘેડી ગામે બોગસ મતદાનની કોંગ્રેસની ફરિયાદ

મતદાનની સાથે-સાથે

• ગઢડામાં બોગસ વોટિંગ મુદ્દે પોલીસની હાજરીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોને માર્યા

• ધારીમાં ભાજપ-કોંગ્રેસે ચૂંટણી જીતવા સુરતથી મતદારો ઉતાર્યા

• ગઢડા બેઠક પર બંને પક્ષના ઉમેદવાર મતદાન નહીં, બંને ઉમેદવાર આયાતી

• મોરબી માળિયામાં ૨૦ જેટલી જગ્યાએ EVM ખોટવાયાંની ફરિયાદ

• મોરબીમાં ભાજપનો ઉમેદવાર ૧૦ હજાર મતથી જીતશેઃ મોહન કુંડારિયા

• ગઢડા બેઠક પર એમ. એમ. હાઈસ્કૂલમાં EVM બંધ થતાં મતદારો મુશ્કેલીમાં મુકાયા

• મોરબી-માળિયા બેઠક પર ૨૦ જેટલાં EVM ખોટવાતાં તાત્કાલિક બદલાયા

• ડાંગમાં કુલ ૯ ઉમેદવાર મેદાનમાં, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

• કરજણ બેઠક પર ૯ ઉમેદવાર, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસબંદોબસ્ત હતો

• મિયાગામ કરજણ, દેથાણ અને સાપા ત્રણ સ્થળોએ EVM ખોટકાયાં

• વૃદ્ધ, દિવ્યાંગ અને સગર્ભા મતદારોને મતદાન માટે અગ્રતા અપાઇ

• કપરાડામાં કોંગ્રેસ ઉમેદવારના મતદાન પહેલાં EVM ખરાબ થયું, તાત્કાલિક બદલાયું

• અબડાસા બેઠકમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ત્રિપાંખિયો જંગ

• કોંગ્રેસના ડો. શાંતિલાલ વિરાણીએ નખત્રાણામાં અને ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ મત આપ્યા

• અપક્ષ ઉમેદવાર હનીફબાવા પઢિયારે નુંઘાતડ ગામમાં પોતાનો મત આપ્યો

• ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે પૂજા કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પક્ષ પલટુ નેતાઓના ચૂંટણી ખર્ચ અંગે અરજી

અમદાવાદ હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે કે, ચૂંટણી પંચે પક્ષ પલટુ અને લાલચુ ધારાસભ્યો પાસેથી પક્ષ બદલે ત્યારે પ્રચાર માટે વાપરેલાં નાણાં વસૂલવા જોઇએ. ચૂંટણી પંચે આ અંગે નોટિફિકેશન બહાર પાડવા અને પક્ષ પલટુઓ માટે નિયમો બનાવવા દાદ માગી છે. જેની સુનાવણી આગામી દિવસો હાથ ધરાશે.

કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ

બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર

અબડાસા - પ્રદ્યુમનસિંહ જાડેજા - ડો.શાંતિલાલ સંઘાણી

મોરબી - બ્રિજેશ મેરજા - જયંતીલાલ પટેલ

ધારી - જે. વી. કાકડિયા - સુરેશ કોટડિયા

કરજણ - અક્ષય પટેલ - કિરીટસિંહ જાડેજા

ગઢડા - આત્મારામ પરમાર - મોહનસિંહ સોલંકી

કપરાડા - જિતુ ચૌધરી - બાબુભાઈ વરઠા

ડાંગ - વિજય પટેલ - સૂર્યકાંત ગામીત

લીંબડી - કિરીટસિંહ રાણા - ચેતન ખાચર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter