ગાંધીનગરઃ લોકસભા સાથે જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટા-ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ મોદીના નામે કમળના મેન્ટેડ ઉપર જીતી ગયા છે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે માણાવદરથી ૨૯,૬૭૩ મતે વિજેતા થયેલા જવાહર પેથલજી ચાવડા સરકારમાં કેબિનેટ પ્રધાનપદ ધારણ કર્યા બાદ ભાજપના મેન્ટેડ પર પેટા-ચૂંટણીમાં માત્ર ૬૪૩૨ મતે જીત્યા છે! તો ઓગસ્ટ ૨૦૧૭માં પક્ષપલટો કરીને ભાજપમાંથી ડિસેમ્બર-૨૦૧૭માં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં હારેલા રાઘવજી હંસરાજ પટેલ આ વખતની પેટા-ચૂંટણીમાં ૩૩,૦૨૨ની જંગી લીડથી વિજેતા જાહેર થયા છે.
આ ઉપરાંત ધાંગ્રધા વિધાનસભાની પેટા-ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા પરસોત્તમ સાબરિયા ૩૨,૬૦૪ની લીડથી વધારે મતે આગળ રહ્યા હતા. જ્યારે ઊંઝા વિધાનસભામાં પેટા-ચૂંટણીમાં કોંગ્રેસના કાંતિ મુળજી પટેલ સામે ભાજપના ડો. આશાબહેન પટેલ ૧૬,૪૯૭એ આગળ રહ્યા હતા.
વિધાનસભામાં ભાજપ ૧૦૩ને આંકડે
કુંવરજી બાવળિયાના આગમન પછી માંડ ૧૦૦ના આંકડે પહોંચેલું ભાજપ પબુભા માણેકનું સભ્યપદ રદ્દ થતા વર્ષ ૨૦૧૭ની મૂળ સ્થિતિ ૯૯એ પહોંચી ગયો હતો. જોકે, પેટા-ચૂંટણીમાં ભાજપના મેન્ટેડ પર ચાર ઉમેદવાર ચૂંટાતા ભાજપનું સંખ્યાબળ ૧૦૩એ પહોંચ્યું છે. જોકે, હવે ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા આવનારા બે સપ્તાહમાં ફરીથી ભાજપ ૯૯ની સંખ્યાએ ઉતરી જશે! ૧૫મી વિધાનસભાની રચના થયાના ૧૬ મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસનો આંકડો ઘટીને ૭૨ થયો છે.
દિવાળી પહેલાં પેટા-ચૂંટણી
બનાસકાંઠા લોકસભાથી થરાદના ધારાસભ્ય પરબત પટેલ, પાટણ લોકસભાથી ખેરાળુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, પંચમહાલ લોકસભામાં લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકથી અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ ચૂંટાતા વિધાનસભામાં આ ચારેય બેઠકો ખાલી પડશે. ખાલી પડેલી બેઠકો ઉપર દિવાળી પહેલા પેટા-ચૂંટણી યોજાશે એ નક્કી છે.


