ગાંધીનગરઃ વિધાનસભાના ૨૦મા સ્પીકર તરીકે રમણલાલ વોરાની ૨૩મી ઓગસ્ટે સર્વાનુમતે વરણી થઈ હતી. જ્યારે ડેપ્યુટી સ્પીકરપદે ભાજપના ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય શંભુજી ઠાકોરની બહુમતી સૂરે નિયુક્તિ કરાઈ હતી. રમણલાલે વિરોધ પક્ષ કોંગ્રેસને એવી ધરપત આપી હતી કે, ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ મેં સ્પીકરપદ ગ્રહણ કર્યું છે અને વિધાનગૃહમાં હું તમારો અવાજ બનવા માગું છું. તમે સરળતાથી ગૃહ ચાલવા દેશો તો મારા તરફથી સહયોગ બમણો રહેશે. એક તબક્કે નવા સ્પીકરે એવું પણ જણાવ્યું હતું કે મને જ્યારે મારી પાર્ટી તરફથી સ્પીકરપદની ઓફર થઈ ત્યારે મેં સ્પષ્ટ રીતે કહેલું જ હતું કે, આ પદ ઉપર બેઠા પછી વ્યક્તિ પક્ષનો કાર્યકર્તા રહેતો નથી. તમને ગમે કે ના ગમે તેવા નિર્ણયો આ પદ ઉપરથી કરવા પડે અને આ વાત સ્વીકાર્ય હોય તો જ મને પદ સોંપજો.


