અમદાવાદ: ગુજરાતની ૬ વિધાનસભા બેઠકો પર ૨૧મી ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણીની જાહેરાત પછી ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો જાહેર કરતાં જ બંને પક્ષમાં આંતરિક વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હટાવવાની માગ ઊઠતાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે અમદાવાદ આવીને પસંદગીના નેતાઓને સમજાવી માંડ બધું સમુસૂતરું કરવું પડ્યું તો જયરાજસિંહે રાજનીતિમાંથી વિરામ લીધાનું તરકટ રચાયું.
ભાજપમાં નવા નવા જોડાયેલા અલ્પેશ ઠાકોર સામેની અરજી પરત ખેંચવા અને ૩ સીડી સોંપવા વકીલને અગાઉ રૂ. ૧૧ કરોડની ઓફર થયાની વાતો આવી છે.
અમિત ચાવડા પર આક્ષેપો
અમિત ચાવડા પર આક્ષેપ થઈ રહ્યાં છે કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ હતા ત્યારે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ યુવા નેતાઓના હાથમાં સોપ્યું હતું, પણ અમિત ચાવડા પ્રમુખપદે સંપૂર્ણપણે નિષ્ફળ નેતા સાબિત થયાં છે. અમિત ચાવડા પ્રમુખ બન્યા બાદ ગુજરાત કોંગ્રેસની સંગઠનની સ્થિતિ વધુ બદતર બની છે. ગુજરાતમાં પ્રજા અનેક સમસ્યાથી પીડિત છે. ભાજપ સરકાર અનેક મોરચે નિષ્ફળ રહી છે. જોકે કોંગ્રેસ અસરકારક વિરોધપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહી છે. અમિત ચાવડાના વખતમાં કોંગ્રેસે ૭ ધારાસભ્યો, ૧૧ જિલ્લા પંચાયત, ૧૬ નગર પાલિકા ગુમાવી છે. કાર્યકરોનું કહેવું છે કે, નિષ્ફળ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના વખતમાં કોંગ્રેસે કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, આશા પટેલ, અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, પુરષોતમ સાબરિયા સહિતના ધારાસભ્યો ગુમાવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે જિલ્લા-તાલુકા પંચાયતમાં કબજો જમાવ્યો હતો, પણ નિષ્ફળ નેતાગીરીને કારણે વગર ચૂંટણીએ કોંગ્રેસ ૧૧ જિલ્લા પંચાયતો, ૧૬ નગરપાલિકા અને ૪૨ તાલુકા પંચાયતો ગુમાવી દીધી છે. જૂથવાદને કારણે ભાજપે ભરપૂર રાજકીય ફાયદો ઉઠાવ્યો છે. પ્રજાએ જનસમર્થન આપ્યું તેમ છતાંય કોંગ્રેસ શાસન સાચવી શકી નહીં.
ટિકિટ કપાતાં જયરાજસિંહ નારાજ
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ચોથી ઓક્ટોબરે સોશિયલ મીડિયા મારફતે જાહેરજીવન અને રાજનીતિમાંથી વિરામ લેવાની જાહેરાત કરી દીધી હતી. કોંગ્રેસની જાતિવાદી રાજનીતિથી કંટાળીને આ નિર્ણય લીધનું જયરાજસિંહે જણાવ્યું હતું. ખેરાલુ વિધાનસભા બેઠક પર યોજાઇ રહેલી પેટાચૂંટણીમાં જયરાજસિંહને ટિકિટની અપેક્ષા હતી. જોકે પાર્ટીએ તેમને બદલે બાબુજી ઠાકોરને ટિકિટ આપી તેથી તેઓ નારાજ થયા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જયરાજસિંહે કહ્યું કે, વ્હાલા મિત્રો જાહેરજીવન અને પક્ષની રાજનીતિથી થાક્યો છું. વિરામની જરૂર લાગે છે. જય માતાજી. જોકે તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે વિશેષ ફોડ પાડ્યો નથી.
અલ્પેશ ઠાકોર સામેની અરજી
કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને પેટા ચૂંટણી લડવા સામે પાચંમીએ હાઇ કોર્ટમાં અરજી કરાઈ છે. આ અરજીના બીજા જ દિવસે અરજદારના વકીલને બે અજાણ્યાઓએ જો અરજી પાછી ખેંચી લે તો રૂ. ૧૧ કરોડ આપાવની ઓફર કરી હતી. સાથે અલ્પેશની ૩ વીડિયો સીડીનો કબજો આપવા માગણી કરી હતી. જોકે અરજદાર અને તેમના વકીલે ઓફરનો ઇનકાર કરી દીધો છે. પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશે આગામી ૨૧ ઓક્ટોબરે યોજાનારી રાધનપુર બેઠકની પેટાચૂંટણી પર ઉમેદવારી નોંધાવી છે. તેની સામે અરજદાર સુરેશભાઈ સિંઘલે વકીલ ધર્મેશ ગુર્જર મારફતે હાઇ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં એવી રજૂઆત કરી છે કે અલ્પેશને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષ સામે બે અરજી કરી છે તેના પર હજુ સુધી નિર્ણય લેવાયો નથી. જ્યાં સુધી આ નિર્ણય ન આવે ત્યાં સુધી અલ્પેશને ચૂંટણી લડવા દઈ શકાય નહીં.


