અમદાવાદઃ છ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી એકદમ નીરસ રહી હતી. મતદારો જ જાણે નિરૂત્સાહ રહ્યાં હતાં જેના કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો હતો. છ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં સરેરાશ ૫૦.૩૫ ટકા મતદાન નોધાયું હતું. મતદાન પૂર્ણ થતા ૪૨ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે. ૨૪મી ઓક્ટોબરે મતદારોનો ચુકાદો જાહેર થશે. જોકે ભાજપની પરંપરાગત બેઠક અમરાઇવાડીમાં તો સૌથી ઓછું ૩૧.૫૩ ટકા મતદાન નોંધાયું છે. મતદાનની ટકાવારી ઘટતા ભાજપની તો ચિંતા વધી છે.
ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીમાં જોવા મળ્યું કે, મતદારોનો ઉત્સાહ ઘટયો છે. મતદારો જાણે કે ચૂંટણીથી જ અળગાં રહ્યા હતાં. મતદાનના દિવસે ૨૧મી ઓક્ટોબરે વહેલી સવારથી જ રાધનપુર, બાયડ, અમરાઇવાડી, ખેરાલુ અને લુણાવાડામાં ધીમુ મતદાન નોધાયું હતું.
શરૂઆતના પ્રથમ બે કલાકમાં તો ૬-૭ ટકા મતદાન નોધાયું હતું. ઓછા મતદાનને પગલે ઉમેદવારો તો ચિંતામાં મુકાયા હતાં. જોકે, એવી આશા વ્યક્ત કરાઇ હતી કે બપોર બાદ મતદાનની ટકાવારી વધશે તે પણ તે વાત ખોટી ઠરી હતી. પરિસ્થિતિ એવી સર્જાઇ કે, મતદારોને મતદાનમથક સુધી લાવવા રીતસર કરગરવું પડયું હતું. આ ચૂંટણીમાં મતદારોની સ્પષ્ટ નારાજગી જોવા મળી હતી.
ખેરાલુ, લુણાવાડા, રાધનપુરમાં તો ઇવીએમ ખોટકાયાં હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. આ મતદાન મથકો પર એક્સપર્ટની મદદ લેવાઇ હતી જેના કારણે મતદારોએ રાહ જોવી પડી હતી. અમરાઇવાડી બેઠક પર બપોરના એક વાગ્યા સુધી તો માત્ર ૧૨.૧૦ ટકા જ મતદાન નોધાયું હતું. મતદારોમાં નારાજગી તો હતી પણ સાથે સાથે સ્થાનિક નેતા-કાર્યકરોની ઉદાસીનતા પણ જોવા મળી હતી જેના લીધે મતદાન ઘણુ જ ઓછું નોધાયું હતું. રાધનપુરમાં ય અલ્પેશ ઠાકોરથી મતદારો નારાજ છે તેવું ચિત્ર ઉપસ્યું હતું. પક્ષપલટાને કારણે ઠાકોર સમાજે અલ્પેશ ઠાકોરથી નારાજ થઇને મતદાનથી અળગા રહેવા પસંદ કર્યું હોય તેમ જોવા મળ્યું હતું. ઓછા મતદાનને કારણે ખુદ અલ્પેશ ઠાકોરની ચિંતા વધી હતી જેના લીધે તેમણે કાર્યકરોને દોડાડવા પડયા હતાં. મતદારોને છેલ્લી ઘડીએ હાથ જોડીને મતદાન કરવા અપીલ કરવી પડી હતી.
ઘણી મથામણના અંતે છેલ્લા બે કલાકમાં મતદાન વધ્યું હતું. રાધનપુરમાં ૫૯.૮૭ ટકા મતદાન નોધાયુ હતું. આ હાઇપ્રોફાઇલ બેઠક પર સૌની મીટ મંડાઇ છે કે કેમકે, ઓછુ મતદાન થતાં અલ્પેશ ઠાકોર માટે કપરાં ચઢાણ છે કેમ કે, રઘુ દેસાઇ જોરદાર ટક્કર આપી છે. સૌથી વધુ થરાદમાં ૬૮.૯૫ ટકા મતદાન નોધાયુ હતું. જયારે ખેરાલુમાં ય મતદાની ટકાવારી સરવાળે ઓછી રહી હતી. અહીં ૪૨.૮૧ ટકા મતદાન થયું હતું. આ જ પ્રમાણે, બાયડમાં ૫૭.૮૧ ટકા અને લુણાવાડામાં ૪૭.૫૪ ટકા મતદાન થયુ હતું. મતદાન પૂર્ણ થતાં હવે કુલ ૪૨ ઉમેદવારોનુ ભાવિ ઇવીએમમાં કેદ થયુ છે ત્યારે ૨૪મીએ જનતાનો ચુકાદો આવશે. હવે જોવાનું એ રહ્યુ કે, કોની દિવાળી બગડશે અને કોની સુધરશે.


