વિધાનસભાની ડ્રામેટિક પેટાચૂંટણીઃ અલ્પેશનું સપનું રોળાયું

Wednesday 06th November 2019 05:56 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ, અમરાઈવાડી અને લુણાવાડા બેઠકો માટેની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને બંનેને ૩-૩ બેઠકો મળી. તેમાં સૌથી રસપ્રદ બાબત એ રહી કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહનો પરાજય થયો. પેટાચૂંટણીમાં ભાજપનો મત હિસ્સો ઘટ્યો. લોકસભાની તુલનાએ કોંગ્રેસની મતટકાવારી વધી. ગુજરાતની છ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો મત હિસ્સો ૨૩ ટકા ઘટ્યો છે લોકસભામાં ભાજપને ૬૨.૪ ટકા મત મળ્યા હતા ત્યારે એની વિધાનસભા બેઠકોની અંદર ૪૮.૧૮ ટકા મતો મળ્યા છે જયારે કોંગ્રેસનો મત હિસ્સો ૩૩ ટકા હતો જે આ વખતે વધીને ૪૩.૪ ટકા થયો છે.

અલ્પેશ ઠાકોરની કારમી હાર

દારૂબંધીના નામે લડતા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને આ ચૂંટણીમાં રાધનપુરની જનતાએ રડતો કરી મૂક્યો હતો. એક સમયે કોંગ્રેસમાં પોતાની તાકાતથી બીજાને જીતાડયાની ડંફાશો મારતા અલ્પેશની સાથે સાથે તેનો સાથ લઈને ભાજપમાં પ્રવેશેલા ધવલસિંહ ઝાલાને પણ પ્રજાએ હારનો પરચો બતાવી દીધો છે. પરિણામો પરથી જ નક્કી થયું છે કે, હવે અલ્પેશ અને ધવલ બેરોજગાર બનવાના છે. રાધનપુરમાં અલ્પેશની હાર થઈ એ પછી અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આ ઠાકોર સમાજની હાર થઈ છે, જોકે રાજકીય નિષ્ણાતો માને છે કે, અલ્પેશે સમાજના નામે ઘર ભર્યું હતું અને તેના કામ અને કદ પ્રમાણે પ્રજાએ તેને વેતરી નાખ્યો.

ભાજપની પ્રદેશ નેતાગીરી નિષ્ફળ

૩ બેઠકો પર હાર અને અલ્પેશ – ધવલને પ્રજાએ નકાર્યા પછી કહેવાય છે કે જ્યારે કોઈ નેતા પોતાની રાજકીય વફાદારી બદલે ત્યારે તે દરેક વખતે તે વિસ્તારના મતદારો પણ પોતાની વફાદારી બદલી દે તેવું ભાગ્યે જ બનેે. ભાજપ માટે ૨૦૧૭ની વિધાનસભા અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પરિણામોએ જીતનો આત્મવિશ્વાસ પુરવાર કર્યો તેની પાછળ મોદી મેજિક સંપૂર્ણપણે જવાબદાર રહ્યું હતું, પરંતુ ૨૦૧૯ની આ પેટાચૂંટણીઓમાં ભાજપે મોટો ભાર પ્રદેશ નેતાઓ પર નાંખ્યો તો તેમણે રાષ્ટ્રીય નેતાઓએ જે ખેડાણ કરેલું તેના પર જાણે પાણી ફેરવી દીધું હોવાનો ગણગણાટ પાર્ટીમાં જ શરૂ થયો છે. જેમ કે ઓગસ્ટ-૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો એકેય ઉમેદવાર જીતે નહીં એવી મહત્ત્વાકાંક્ષા રાખીને ભાજપે કોંગ્રેસના તત્કાલીન વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાના નેતૃત્વ તળે ૧૪ કોંગી ધારાસભ્યોને પોતાની તરફે કર્યા હતા, જે પૈકી ડિસેમ્બર-૨૦૧૭માં ૮ જણ ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડયા હતા, પણ એમાંથી માત્ર ૩ને જ ધારાસભ્યો તરીકે પ્રજાએ જીતાડયા હતા.

હવે પક્ષપલટાઃ તોબા તોબા

આ પેટાચૂંટણીના પરિણામો પછી પદ કે પૈસાની લાલચે હમણાં કોંગ્રેસમાંથી કોઈ ધારાસભ્ય રાજીનામું નહીં આપે અને ભાજપ આવા પક્ષપલટુઓને આવકારો પણ નહીં આપે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘણી અવારનવાર દાવા કર્યા કરતાં રહે છે કે, કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. છેલ્લે એમણે કોંગ્રેસના ૧૫ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર હોવાનો દાવો કર્યો હતો. આવી જ રીતે કોંગ્રેસ છોડતી વખતે પાટલીબદલુ અલ્પેશને પણ એની સાથે ઘણા કોંગી ધારાસભ્યો રાજીનામાં આપશે એવી ગુલબાંગ મારી હતી. આવા શેખીબાજોને અને એમની પાછળ ભરમાતા લાલચુ રાજકારણીઓને આ પેટાચૂંટણીના પરિણામોએ રૂક જાવનો સ્પષ્ટ મેસેજ આપ્યો છે. ભાજપ જઉં જઉં કરતાં કચ્છના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા કેટલાક સમયથી ભાજપના ફંક્શનોમાં હાજરી આપી આડકતરી રીતે પક્ષપલટો કરવાનો સંકેત આપી રહ્યાં છે. આવા લાલચુ નેતાઓ પ્રજાના જાકારાના ડરે પાટલી બદલતાં વિચારશે અને ભાજપ પણ આવા નેતાને પક્ષમાં આવકારશે નહીં.

જિતુ વાઘાણીની વિદાય નિશ્ચિત?

પેટાચૂંટણીમાં ત્રણ બેઠકો ગુમાવ્યા બાદ ભાજપે મનોમંથન શરૂ કર્યું છે. બીજી નવેમ્બરે કમલમમાં પ્રદેશ પ્રમુખ વાઘાણીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં હારના કારણોની સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત નવા પ્રદેશ સંગઠનની રચનાને લઇને પણ ચર્ચા કરાઇ હતી. ડિસેમ્બરના અંત સુધીમાં ભાજપના પ્રદેશનુ નવું માળખુ રચાશે. આ વખતે ભાજપ હાઇકમાન્ડ પાટીદારને પ્રમુખપદુ આપે તેવી શક્યતા ઓછી છે. આ ઉપરાંત પેટાચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વિદાય લગભગ નિશ્ચિત મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter