વિધાનસભાની પાંચ ખાલી બેઠકો માટે ૨૩મી એપ્રિલે પેટાચૂંટણી

Wednesday 20th March 2019 06:24 EDT
 

ગાંધીનગર: ગુજરાતમાં ઊંઝા, તાલાળા, માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર ગ્રામ્ય એમ વિધાનસભાની પાંચ બેઠકો ખાલી થઈ છે. તે તમામ બેઠકો માટે પણ ૨૩મી, એપ્રિલે જ પેટા ચૂંટણી યોજાશે અને ૨૩મી, મેના રોજ જ જ મતગણતરી હાથ ધરાશે. ભારતના ચૂંટણી પંચે ૧૦મીએ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી.
તે દિવસે ઊંઝા અને તાલાળા, એમ બે વિધાનસભા બેઠકો પર તો પેટા ચૂંટણી જાહેર કરી દીધી હતી ત્યાર બાદ માણાવદર અને ધ્રાંગધ્રાની બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. હવે છેલ્લે ગુજરાતની જામનગર ગ્રામ્યની બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે અર્થાત ગુજરાતમાં હવે લોકસભાની કુલ ૨૬ બેઠકોની સાથોસાથ જ રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચેય બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજાશે.
ભાજપ-કોંગ્રેસ જેવા બન્ને મુખ્ય રાજકીય પક્ષોમાં અત્યારે લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો આરંભ થયો છે, પણ રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચેય બેઠકો માટેની પેટા ચૂંટણીઓ પણ જાહેર થઈ જતાં બન્ને પક્ષોમાં આ બેઠકો માટેની ઉમેદવારોની પસંદગી શરૂ કરી દેવાઈ છે. ૨૦૧૭ની ગત વિધાનસભાની ચૂંટણી વખતે આ બેઠકો પરથી કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હતા એટલે હવે, આ પેટા ચૂંટણી સત્તાધારી ભાજપ માટે તો વકરો એટલો નફો સમાન સાબિત થવાની છે અને ભાજપ તરફથી તો બેઠકો પરથી કોંગ્રેસના જ ભાજપમાં સામેલ થયેલા ઉમેદવારો પેટા ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter