ગાંધીનગરઃ ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક ૨૭મી ઓગસ્ટે દિલ્હીમાં મળી હતી. જેમાં ગુજરાતથી ચાર પ્રતિનિધિ હાજર હતા. બેઠકને સંબોધતા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, ભારતમાં સારા રાજકીય દેખાવનો યુગ શરૂ થયો છે. ભાજપની સરકારનો લક્ષ્યાંક ભ્રષ્ટાચારવિહીન સરકાર અને ગતિશિલ સરકારનો છે.
આ બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી તથા ભાજપના સંગઠન પ્રધાન ભીખુભાઈ દલસાણીયા હાજર રહ્યાં હતા. અમિત શાહની સાથે વ્યક્તિગત રીતે પણ બેઠક થઈ હતી. તેમાં ગુજરાતના રાજકીય વળાંકો ઉપર ચર્ચા થઈ હતી. ભાજપના આંતરીક સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી વખતે જે વિધાનસભા મત વિસ્તારમાં વધારે મતો મળ્યા હોય તેમને લક્ષ્ય બનાવીને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી લડવી. લોકસભામાં ૨૬ બેઠકો ભાજપે કબજે કરી હતી અને તેમાં ૧૪૪ જેટલી બેઠકો ઉપર કોંગ્રેસ અને આમ આદમી પક્ષ કરતાં વધારે મતો મળ્યા હતા. આ બેઠકો ઉપરાંત બીજી સાત બેઠકો મળીને કુલ ૧૫૧ બેઠકો મેળવવાના લક્ષ્યાંક સાથે આગળ વધવું એવી ચર્ચા પણ થઈ છે.

