રાજપીપળાઃ વિશ્વમાં આતંકવાદની સૌથી વધુ પીડા ભારતે ભોગવી છે. આતંકવાદ સામે લડતા અનેક વીર જવાનો અને નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આપણે વિશ્વને સર્વે ભવન્તુ સુખીનઃ અને વસુધૈવ કુટુમ્બકમના સંદેશાઓ આપ્યા છે, પણ આજે આ જ ભારતમાં વિભાજનકારી તાકાતો પ્રવૃત્ત થઈ છે જેનાથી આપણે સતર્ક બનવું પડશે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર જયંતી પર્વે કેવડિયા કોલોની ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એક્તા દિનની ઉજવણીમાં કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે સુરક્ષા દળોની આજની પરેડ જોઈને પુલવામા હુમલાની યાદ તાજી થાય છે. આ સમયે જ્યારે સમગ્ર દેશ દુઃખમાં હતો ત્યારે પણ કેટલાક રાજકારણીઓ પોતાના સ્વાર્થને સાધવામાં પડ્યા હતા. પુલવામા હુમલા વિશે બેફામ નિવેદનબાજી કરી રહ્યા હતા. આ પ્રકારના નિમ્ન સ્તરના આક્ષેપો અને વરવી માનસિક્તા ધરાવતા લોકોના ગાલે તાજેતરમાં પડોશી દેશની સંસદમાં પુલવામા હુમલા અંગેના ખુલાસાઓથી લપડાક લાગી છે.
પુલવામા આતંકી હુમલા વેળા સરકાર સામે નિરાધાર આક્ષેપો કરનાર કોંગ્રેસ સહિતના વિપક્ષનો ઉલ્લેખ કર્યા વગર જ વડા પ્રધાને કહ્યું હતું કે હું આવા રાજકીય દળોને કહેવા માંગું છું કે દેશહિત અને સુરક્ષા દળોના મનોબળને તોડી પાડતા દેશવિરોધી તત્ત્વો માટે થતી રાજનીતિ માત્ર દેશવિરોધી તાકાતોને મજબૂત બનાવશે, જે પક્ષ કે દેશના હિતથી વિપરીત હશે.
આતંકવાદની સમસ્યાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક આતંકવાદ સામે આજે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં આતંકવાદ સામે શાંતિ અને માનવતાના ઉપાસકોએ એકસંપ થવું જોઈએ. દેશમાં શાંતિ-ભાઈચારો તથા સદ્દભાવના જ આતંકવાદનો મુકાબલો કરી શકે તેમ છે.
દેશની સુરક્ષા કાજે આત્મનિર્ભર
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નિશ્રામાં યોજાયેલી ઉજવણીમાં સરદાર વલ્લભભાઈને શ્રદ્ધાંજલિ અર્પતા વડા પ્રધાને જણાવ્યું હતું કે આજનું ભારત તેના સાર્વભૌમત્વ અને સન્માનની સુરક્ષા માટે સંપૂર્ણ તૈયાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા કાજે પણ હવે આપણે આત્મનિર્ભર બનવામાં સફ્ળ થઇ રહ્યા છીએ. જેના પરિણામે સીમાઓ ઉપર ભારતની નજર અને નજરિયો બદલાઈ ગયો છે. આજે ભારતની ધરતી પર નજર નાખનારાઓને જડબાતોડ જવાબ મળી રહ્યો છે. વૈશ્વિક આતંકવાદ સામે આજે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. ત્યારે આ આપદાની પરિસ્થતિમાં આતંકવાદ સામે શાંતિના અને માનવતાના ઉપાસકો માટે દેશમાં સૌએ એકજૂટ થવાની જરૂર છે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં શાંતિ-ભાઈચારો તથા સદ્ભાવના જ આતંકવાદનો મુકાબલો કરી શકે તેમ છે. ભારતે આતંકવાદની સૌથી વધુ પીડા ભોગવી છે. આતંકવાદ સામે લડતા આ દેશે કેટલાક વીર જવાનો અને નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આપણે દુનિયાને સર્વે ભવન્તું સુખીન : અને વસુધૈવ કુટુંમ્બક્મનો સંદેશાઓ આપ્યો છે. ત્યારે આપણે આપણી બોલી, ભાષા, પરિધાન, ખાનપાન, સંસ્કૃતિના વૈવિધ્યને જ ઐક્ય માનીએ છીએ. ત્યારે આ અદ્વિતીય અસાધારણ ધરોહરને જ તોડી, લોકો-લોકો વચ્ચે ખાઈ ઊભી કરનારી તાકાતોને ઓળખીને તેનો સામનો કરવો જ પડશે.
સમાનતા અને સંભાવના ધરાવતા રાષ્ટ્રનું નિર્માણ
વડા પ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, સોમનાથના પુનઃ નિર્માણથી સરદાર સાહેબે ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુનઃ સ્થાપિત કરવાનો યજ્ઞ શરૂ કર્યો હતો. જે આજે કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદી તથા અયોધ્યામાં રામમંદિર નિર્માણ સહિતના કાર્યો થકી અખંડ ભારતના નિર્માણ સુધી વિસ્તર્યો છે. આજે આપણે ૧૩૦ કરોડ દેશવાસીઓ સાથે મળીને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છીએ કે જે સશક્ત પણ હોય અને સક્ષમ પણ હોય. જેમાં સમાનતા પણ હોય અને સંભાવના પણ હોય. દુનિયાનો આધાર ખેડૂત અને મજદૂર ઉપર રહેલો છે. ત્યારે ખેડૂતો અને મજદૂરોને સશક્ત કરવા એ અમારો નિર્ધાર છે. ખેડૂત -ગરીબ સશક્ત ત્યારે જ બનશે જ્યારે તે આત્મનિર્ભર બનશે. આત્મનિર્ભર ભારતના મિશનને સાકાર કરવા માટે સૌ દેશવાસીઓ આજે સંકલ્પબદ્ધ બનશે તો ચોક્કસ આપણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકીશું એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો.
કોરોના વોરિયર્સનું સમર્પણ બિરદાવ્યું
કોરોનાના સામેની લડતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ આજે લડી રહ્યું છે ત્યારે આ રોગચાળા સામે ભારતે જે રીતે તાકાત અને દૃઢ ઈચ્છાશક્તિથી સામનો કરીને જે લડત આપી છે તે અભૂતપૂર્વ છે. દેશભરમાં કોરોનાની આ લડતમાં માનવજીવનને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર કોરોના વોરિયર્સને યાદ કરીને તેમના સમર્પણને પણ વડા પ્રધાને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમના બલિદાનના ઇતિહાસને આ દેશ ક્યારેય ભૂલશે નહીં.
આદિ કવિ વાલ્મિકીને યાદ કર્યા
વડા પ્રધાન મોદીએ આદિ કવિ મહર્ષિ વાલ્મિકીને યાદ કરીને કહ્યું હતું કે, આ એક અદ્દભુત સંયોગ એ છે કે, આજે વાલ્મિકી જયંતી પણ છે. ભારતની સાંસ્કૃતિક એક્તાનો જે અનુભવ આપણે કરીએ છીએ, એને વધુ જીવંત અને શક્તિશાળી બનાવવાનું કામ સદીઓ પહેલા મહર્ષિ વાલ્મિકીએ કહ્યું હતું. આ ઉપરાંત વડા પ્રધાને તમિળ ભાષાના આદિ કવિ સુબ્રમણ્યમ ભારતી, જાણીતા હિન્દી કવિ રામધારીસિંહ દિનકરને યાદ કરીને ભારતની એક્તા, અખંડતિતતા અને આ દેશના સ્વર્ણિમ વારસાનું સ્મરણ કર્યું હતું.


