અમદાવાદઃ ગોધરાકાંડનાં તોફાનો સમયે વર્ષ ૨૦૦૨માં વિરમગામમાં ત્રણ વ્યક્તિની થયેલી હત્યાના કેસમાં હાઈ કોર્ટે નવ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. નીચલી અદાલતે આરોપીઓ પૈકી બેને આજીવન કેદની સજા ફટકારી હતી. ૯માંથી એકની મૃત્યુ થઈ ગયું હતું. સરકારી એડવોકેટ જે એમ પંચાલ અને કમલનયન પંચાલ દ્વારા કરાયેલી રજૂઆત પ્રમાણે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ૧૦ આરોપી સહિત ૨૦૦ લોકોના ટોળાએ વિરમગામમાં જોરાવર પીરની દરગાહ પર હલ્લો કર્યો હતો. લોકો દરગાહની વાડ સળગાવી તોડફોડ કરતા હતા ત્યારે જુમાભાઈ જુસબભાઈ, ઇમરાનભાઈ ઇસ્માઇલ અને હૈદરે વળતો હુમલો કરતાં તેમને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. સાથે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.
નીચલી અદાલતમાં કેસ ચાલી જતાં કોર્ટે માત્ર બે આરોપી ભોળાભાઈ ભરવાડ અને બચુભાઈ ઠાકોરને આજીવન કેદની સજા કરી હતી તેમજ અન્યને બીજા ગુના હેઠળ હળવી સજા કરી હતી. આ સામે રાજ્ય સરકારે હાઇ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
આ અંગેનો કેસ જસ્ટિસ હર્ષાબહેન દેવાણી અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની કોર્ટ સમક્ષ ચાલી જતાં હાઇ કોર્ટે એક આરોપી દેવાભાઈ ભરવાડને નિર્દોષ મુક્ત કરવાનો નીચલી અદાલતનો હુકમ યોગ્ય ઠેરવ્યો હતો જ્યારે અન્ય તમામ આરોપીઓને એકસરખી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આરોપીઓ સામે નજરે જોનાર સાક્ષીઓનાં નિવેદનો, ફોરેન્સિક વિભાગના રિપોર્ટ તથા તબીબી અહેવાલ સહિતના સાંયોગિક પુરાવાને કોર્ટે ધ્યાને લીધા હતા. તેમજ તમામ આરોપી ટોળાના સભ્ય હોવાથી એક આરોપીના કૃત્યને જ બીજા આરોપીઓએ આચર્યું હોય તેમ ગણાય તેવા કાનૂની સિદ્ધાંતને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ચાર ભાઈઓને આજીવન
હાઇ કોર્ટે આપેલી સજામાં ચાર આરોપીઓ સતાભાઈ ઘેલાભાઈ ભરવાડ, વાલાભાઈ ઘેલાભાઈ ભરવાડ, મૂળાભાઈ ઘેલાભાઈ ભરવાડ અને મેરાભાઈ ઘેલાભાઈ ભરવાડ સગાભાઈઓ છે. જેમાંથી એક ભાઈ મૃત્યુ પામ્યો છે. તે જામીન પર હતો.
અન્ય આરોપીઓ
ભોળાભાઈ તેજાભાઈ ભરવાડ, બચુભાઈ રણછોડભાઈ ઠાકોર, નારણભાઈ સામતભાઈ ભરવાડ, ઉદાજી રણછોડભાઈ ઠાકોર, વિઠ્ઠલભાઈ મોતીભાઈ ભરવાડ.


