વિરામ બાદ રાજ્યમાં ફરી ભારે વર્ષાની આગાહીઃ મોસમનો ૧૨૧ ટકા વરસાદ નોંધાયો

Tuesday 08th September 2020 09:12 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં ચારેક દિવસના વિરામ બાદ રવિવારથી વરસાદનું પુનઃ આગમન થયું છે. સોમવાર સુધીના છેલ્લા ચારેક દિવસમાં પણ જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર નોંધાઈ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧૦થી ૧૩ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ફરી સામાન્યથી ભારે વરસાદ થશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ સહિતના શહેરોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજ્યમાં ૩૦મી સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૧ ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ૧૨૧ ડેમ ઓવરફ્લોઃ ૧૬૭ હાઈએલર્ટ પર
ગુજરાતમાં ઓવરફ્લો ડેમોની સંખ્યા ૧૨૧ સુધી પહોંચી છે. ૧૬૭ ડેમો પર હાઈએલર્ટ સિગ્નલ અપાયું છે. એલર્ટ ડેમોની સંખ્યા ૧૦ અને વોર્નિંગ અપાઈ હોય તેવા ડેમોની સંખ્યા પાંચ ઉપર પહોંચી છે. માત્ર ૨૩ ડેમ એવા છે જ્યાં સંગ્રહ ક્ષમતા કરતાં ૭૦ ટકાથીયે ઓછું પાણી છે એટલે ત્યાં કોઈ સિગ્નલ અપાયા નથી.
નર્મદા જળ વિભાગના રિપોર્ટ પ્રમાણે સરદાર સરોવર ડેમમાં ૮૯.૯૮ ટકા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૬ ડેમોમાં કુલ ૮૭.૨૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌથી વધુ પાણી સૌરાષ્ટ્રના ૧૪૦ ડેમોમાં ૯૫.૧૩ ટકા છે. સૌરાષ્ટ્રના કુલ ૮૬ ડેમો ૧૦૦ ટકા સંપૂર્ણ છલકાયા છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં પણ ૯૧.૧૬ ટકા પાણી છે.
ગીર જંગલમાં ૨ કલાકમાં ૫ ઇંચ વરસાદ
ગીર જંગલ વિસ્તારમાં પાંચમીએ બપોર પછી બે કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીરગઢડાની નગડિયા ગામની શાહી નદીમાં ઘોડાપુર આવતાં ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. લોકોની અવરજવર બંધ થઇ ગઈ હતી. જ્યારે ગીર ગઢડાના હરમડિયા ગામે પાંચમીએ બપોર બાદ ધોધમાર ૧.૫થી ૨ ઇંચ જેટલો વરસાદ ખાબકી પડ્યો હતો જેથી ગામના રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
આ ઉપરાંત ગીરગઢડાના ખિલાડ, ધોકડવા, ચિખલકુબા, જસાધારમાં ૧.૫થી ૨ ઇંચ બેડિયા, મોતીસર, નીતલી ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે શિંગવડો, હીરણ અને રાવલ નદીમાં પૂર આવ્યું હતું.

કુલ પાંચના મૃત્યુ

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. અંબાજી, અમરેલી અને વલસાડમાં સારો એવો વરસાદ થયો હતો. અંબાજીમાં ૩ ઇંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી ૪ લોકોનાં મોત થયાં હતાં જ્યારે ખાંભામાં ૧ વ્યક્તિનું મોત થયું હતું. મહેસાણા તાલુકાના પઢારિયા ગામે ટ્રેકટરની ટ્રોલી નીચે બેઠેલા ડાભલા (વસઇ) ગામના રમણજી દિવાનજી ઠાકોર અને દિલીપજી જયંતીજી ઠાકોર નામના બે શ્રમિકોનાં વીજળી પડવાથી મોત થયાં હતા જ્યારે ૩ ને ઇજા થઇ હતી. મોડાસાના નંદીસણ ગામે વીજળી પડતાં  જયંતીભાઈ સોમાભાઈનું અને ભિલોડાના માંકરોડામાં નિવૃત્ત આર્મીમેન સુરેશભાઈ થાવરાજી ગામેતીનું મોત થયું હતું. ખાંભાનાં ગોરાણાના બાબુભાઇ હમીરભાઇ રામનુ મોત થયું હતું.

વરસાદી માહોલમાં વીજળી પડવાથી ઉત્તર ગુજરાતના મહેસાણામાં બે, અરવલ્લીમાં ૨ અને અમરેલીના ખાંભામાં ૧ એમ કુલ પાંચ વ્યક્તિના મોત રવિવારે નિપજ્યાં હતાં. ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ૩ થી ૪ ઈંચ ધોધમાર વરસાદ પડયો હતો. ઉત્તર ગુજરાતના ભિલોડા, ઈડર અને અંબાજીમાં ૧ ઈંચ જેટલો વરસાદ પડયો હતો.
ભિલોડાના માંકરોડા ગામે ૫૦ વર્ષીય નિવૃત્ત આર્મીમેન સુરેશભાઈ થાવરાજી ગામેતી સીમમાં બકરાં ચરાવવા ગયા હતા તે સમયે વીજળી પડવાથી ગંભીર રીતે દાઝી જતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. મોડાસા તાલુકાના નંદીસણ ગામે પણ વીજળી પડવાથી ખેતરમાં બળદ બાંધવા ગયેલા રપ વર્ષીય જયંતીભાઈ સોમાભાઈ પગીનું મોત થયું હતું.
મહેસાણાના પઢારિયા ગામે ગૌચરમાં વન વિભાગ દ્વારા વૃક્ષ કાપવાની કામગીરી કરી રહેલા મજૂરોએ વરસાદ પડતાં ટ્રેક્ટરની ટ્રોલી નીચે આશરો લીધો હતો. દરમિયાન ટ્રોલી પર વીજળી પડતાં પાંચ મજૂરો ગંભીર રીતે દાઝયા હતા. જે પૈકી મૂળ વિજાપુરના ડાભલા ગામના ૨૪ વર્ષીય રમણજી દિવાનજી ઠાકોર અને ૨૫ વર્ષીય દિલીપજી જયંતીજી ઠાકોરનું મોત થયું હતું.
ખાંભા તાલુકાના ગોરાણા ગામે વાડીમાં કામ કરતા ખેડૂતો ઉપર વીજળી પડતાં બાબુભાઈ હમીરભાઈ રામ (ઉ. વ. ૩૦)નું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું જયારે અન્ય બે ખેડૂતને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter