વિવાદના વમળો સર્જતો અમદાવાદનો ગેંગરેપ કેસઃ ભોગ બનેલી યુવતી-પોલીસ આમનેસામને

Wednesday 04th July 2018 08:00 EDT
 
 

અમદાવાદ: નહેરુનગરથી માર્ચ મહિનામાં અને તેના ઘર પાસેથી ૨૬મી જૂને ઉઠાવી જઈને ગેંગરેપ બાદ વીડિયો ક્લિપ ઉતારી ઈન્સ્ટાગ્રામ પર ધમકી અને ખંડણી માગવાના કેસમાં પીડિતાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થતી કેસની તપાસમાં અધિકારી જે. કે. ભટ્ટ સામે પીડિતા તથા તેના પિતાએ પ્રેસ કોન્ફરન્સ અને હાઈકોર્ટમાં અરજી કરીને ગંભીર આક્ષેપો કરતાં જે. કે. ભટ્ટે પોલીસ કમિશનરને વિનંતી કરી હતી કે તેમને આ તપાસમાંથી મુક્ત કરવામાં આવે. જે અનુરોધ અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘે ગ્રાહ્ય રાખ્યો હતો. હાઈ કોર્ટે આ કેસમાં સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે અને કેસની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી તાકીદ બીજી જુલાઈએ કરી હતી.
પીડિતાની પોલીસમાં ફરિયાદ
માતા પિતા અને ત્રણ ભાઈ બહેન સાથે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના બબ્બે વખત અપહરણ બળાત્કાર અને તેના ફોટો-વીડિયો ક્લિપ બનાવાયા પછી કંટાળેલી યુવતીએ પરિવારને સમગ્ર ઘટનાક્રમની જાણ કરતાં પરિવારે અભયમમાં ફોન કર્યો હતો. અભયમમાં કાઉન્સેલિંગ પછી યુવતી અને તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, માર્ચ મહિનામાં તે ફરવા ગઈ ત્યારે નહેરુનગર સર્કલ ઝાંસીની રાણીના પૂતળા પાસેથી ચાર મંકી કેપ પહેરેલા લોકો તેને બેભાન બનાવી કારમાં લઈ ગયા હતા અને બેએ તેના પર બળાત્કાર સાથે તેના ગુપ્તાંગમાં લાકડી ખોંસી દીધી હતી. રેપ સમયે તેના ફોટો- વીડિયો પણ લેવાયા હતા અને તેને ધમકી આપી હતી કે આ વિશે કોઈને જાણ કરીશ તો યુવતીના બોયફ્રેન્ડ અને બોયફ્રેન્ડની બહેનને પતાવી નાંખીશું. એ પછી યુવતીને પાછી નહેરુનગર છોડી દેવાઈ હતી. અર્ધબેભાન પીડિતા ટુ વ્હીલર પર ઘરે ગઈ હતી, પણ કોઈને ઘટનાની જાણ કરી નહોતી. આરોપીઓએ કારમાં બળાત્કાર કરતી વેળા પાડેલા ફોટા એ પછી ઈન્સ્ટાગ્રામથી યુવતીને મોકલીને તેની પાસે રૂપિયા માગવાનું શરૂ કર્યું હતું. એ પછી પીડિતા કાંકરિયા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બે બાઈક પર બે યુવક અને યુવતી તેની પાસે આવ્યા હતા અને તેની પાસેથી માર્ચ મહિનામાં લૂંટેલું પર્સ અને ફોન પાછા આપીને તેને ધમકાવી હતી. ૨૬મી જૂનના રોજ કાળા રંગની સ્કોર્પિયોમાં યુવતીનું તેના ઘર નજીકથી અપહરણ કરી બે જણાએ કારમાં બળાત્કાર બાદ તેને રસ્તામાં ફેંકી દીધા પછી ભાંગી પડેલી યુવતીએ અંતે ઘટનાની જાણ પરિવારને કરતા પરિવારે પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
કેસમાં સાત આરોપીની તપાસ
આ કેસમાં પીડિતાની ફરિયાદના આધારે બે મહિલા સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. પીડિતાએ કહ્યું કે, ચાલતી કારમાં બળાત્કારીઓ બોલતા હતા કે ‘આ બધું તારા બોયફ્રેન્ડે (ગૌરવ દાલમિયા)એ જ કરાવ્યું છે.’ ગૌરવના સ્કૂલમાં સાથે ભણતા મિત્ર વૃષભ મારુએ ઇન્સ્ટાગ્રામ પર યુવતી પાસે રૂ. ૫૦ હજારની માગ કરી હતી અને પીડિતાને કાંકરિયા પર્સ અને મોબાઈલ આપતી વખતે જે અન્ય યુવતી હતી તે ગૌરવની કથિત ગર્લફ્રેન્ડ યામિની હોવાનું અને યામિની નાયરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પીડિતાને ધમકીથી આ કેસમાં ગૌરવ દાલમિયા, ગૌરવના મિત્ર વૃષભ મારુ, યામિની નાયર સહિતના સાત લોકો સામે તપાસ આદરવામાં આવી હતી.
પીડિતાની ક્રાઈમબ્રાંચ સામે ફરિયાદ
એ. કે. સિંઘે જણાવ્યું હતું કે, ગેંગરેપની ફરિયાદ સેટેલાઈટ પોલીસને મળ્યા બાદ કેસની યોગ્ય તપાસ થઈ શકે તે માટે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. પીડિતા અને તેના પિતાએ રવિવારે આ કેસની તપાસ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે. કે. ભટ્ટે મારું નિવેદન લીધું ત્યારે હું આરોપી હોઉં એવી રીતે કહ્યું કે, રેપ કોને કહેવાય તે અમે નક્કી કરીશું. ગુપ્તાંગમાં લાકડું ખોસે તેને રેપ કહેવાય નહીં. ઋષભ વિશે તેમણે કહ્યું કે ‘તે તો ગાય જેવો છે તે આવું કરી જ ના શકે’. મારું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાને બદલે તપાસમાં બોલાવીને મારું નિવેદન બદલવા માટે પણ તેમણે દબાણ કર્યું હતું. પીડિતાએ કહ્યું કે, મને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવીને એવા સવાલો પૂછ્યા તેના પરથી ખબર પડી કે બળાત્કારના કેસમાં છોકરીઓ કેમ પોલીસ સમક્ષ આવતી નથી અને કેમ આપઘાત કરવાનું વિચારે છે.
મેડિકલ રિપોર્ટમાં વિરોધાભાસ
પીડિતાએ એફઆઈઆર નોંધાવી આક્ષેપ કર્યો હતો કે ચાર જણાએ તેનું અપહરણ કર્યા બાદ તેને ઘેની પદાર્થ આપ્યો હતો. એમાંના બેએ બળાત્કાર ગુજરાતી ગુપ્ત ભાગમાં લાકડી ખોસી હતી. તેથી ૩ માસ પછી પીડિતાનું તબીબી પરીક્ષણ કરાયું હતું. મેડિકલ રિપોર્ટ પીડિતા પર દુષ્કર્મ અથવા તેના ગુપ્ત ભાગમાં લાકડી ખોસાયા બાબતે પ્રકાશ ફેંકવામાં નિષ્ફળ રહ્યો હતો. પોલીસ વર્તુળે એ પણ જણાવ્યું કે, તબીબી રિપોર્ટમાં ગુપ્ત ભાગમાં આવી કોઈ ઈજા જોવા મળી નહોતી. પોલીસે ફરિયાદ બાદ એવું પણ કહ્યું કે, ગુપ્ત ભાગમાં લાકડી ખોસ્યા જેવા ઘાતકી કૃત્યનો ભોગ બનેલી યુવતી ટુ-વ્હિલર પર ઘરે પહોંચે એ વર્ણનથી અમને આશ્ચર્ય થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદમાં બીજા પણ વિરોધાભાસ છે. નહેરુનગર અને અન્ય જગાના સીસીટીવી ફૂટેજ જોયા પછી એફઆરઆઈને સમર્થન આપે તેવા પુરાવા મળ્યા નથી. ૨૬ જૂનના બનાવ બાબતે પણ સીસીટીવી ફૂટેજ એફઆઈઆરની વિગતોને સમર્થન આપતા નથી. આમ છતાં પોલીસ આવા બનાવમાં ત્રીજા પક્ષકારની સંડોવણી નકારતી નથી.
આરોપીઓના કુટુંબીજનો
પીડિતાનો બોયફ્રેન્ડ ગૌરવ દાલમિયા ૩૦મીએ રાત્રે ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થયો હતો. ગૌરવે કોઈપણ પ્રકારના ફોરેન્સિક અથવા વૈજ્ઞાનિક ટેસ્ટ માટે તૈયારી બતાવી હતી. પોલીસે તેનો સેલફોન અને લેપટોપ જપ્ત કર્યાં છે. ગૌરવના માતાએ કહ્યું કે મારા પુત્ર પર ખોટા આક્ષેપો કરીને તેને સંડોવવામાં આવ્યો છે પોલીસે રવિવારે રાજકોટથી દિલ્હી ભાગી જતી યામિની નાયરની પણ પૂછપરછ કરી હતી. પીડિતાએ આપેલા નિવેદન અને ગૌરવ તેમજ યામિનીના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સોમવારે વૃષભ મારુના પરિવારે કહ્યું કે અમારો પુત્ર ગૌરવનો મિત્ર છે, પણ તે પીડિતાને ઓળખતો જ નથી. આ સમગ્ર પ્રેમ પ્રકરણમાં વૃષભને ફસાવવામાં આવ્યો છે. જ્યારે ફરિયાદ નોંધાવાઈ ત્યારે વૃષભ મધ્ય પ્રદેશમાં હતો
પીડિતાના પિતાની ફરિયાદ
પીડિતાના પિતાએ હાઈકોર્ટમાં કેસની નિષ્પક્ષ તપાસ સાથે જે. કે. ભટ્ટને કેસમાંથી હટાવવા અને મેજિસ્ટ્રેટ સામે મારી પુત્રીનું નિવેદન લેવાય તેવી માગ કરી હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે આવા કેસમાં ૨૪ કલાકમાં લેડી ઓફિસર દ્વારા તપાસ થવી જોઈએ. પીડિતા અને તેના પિતાએ જે. કે. ભટ્ટ સામે કરેલી ફરિયાદ પછી આ કેસની તપાસ ડીસીપી શ્વેતા શ્રીમાળીને સોંપાઈ છે. હાઈ કોર્ટે આ કેસમાં સરકારનું વલણ સ્પષ્ટ કરવાની તાકીદ કરી છે. રાજ્ય સરકારે અદાલતને આ સંદર્ભે કહ્યું કે, નિવેદન લેવા પોલીસે મેજિસ્ટ્રેટને વિનંતી કરી છે. મેજિસ્ટ્રેટ સમય આપે એટલે તરત એ નોંધવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશ્નર એ કે સિંઘે કહ્યું છે કે ક્રાઈમ બ્રાન્ચ પણ પોલીસની જ શાખા હોવાથી તેના પર લાંછન લાગવું એ શરમજનક હોવાથી આ કેસની કાર્યવાહી તેમની દેખરેખ હેઠળ પૂરતું ધ્યાન આપીને કરાશે. બીજીએ રાજ્યના મહિલા પંચના અધ્યક્ષ લીલા આંકોલિયા પણ પીડિતાને મળ્યા હતા અને તમામ મદદની ખાતરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter