અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં ગટર, રસ્તા, લાઈટ્સ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ ન બનતાં લોકસભાની ચૂંટણીમાં રાજ્યના ૯૦૦થી વધુ ગામના લોકોએ આ વખતે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં આ સિવાય પણ અનેક ગામોના લોકોએ મતદાન શરૂ થયું ત્યાં સુધી બહિષ્કારનું નક્કી કર્યું હતું, પરંતુ સ્થાનિક નેતાઓની સમજાવટથી ત્યાં છેવટે મતદાન માટે ગ્રામવાસીઓ તૈયાર થઇ
ગયા હતા. રાજ્યમાં નર્મદા, નવસારી, ડાંગ, પોરબંદર અને પાલનપુરના ૯૬૯ જેટલા ગામોમાં મતદાનનો બહિષ્કાર થયાના સમાચાર સાંપડયા છે. આમાં નર્મદામાં ૩૧૫, નવસારીમાં ૩૦૦, પોરબંદરમાં ૩૦૦ અને પાલનપુરમાં ૫૦ ગામોના મતદારોએ બહિષ્કાર કર્યો હતો. છોટાઉદેપુરમાં બોડેલીના ચાપરગોટ ગામના મતદાતાઓએ પણ મતદાન ન કરીને સાંસદોની નિષ્ક્રિયતા સામે વિરોધ નોંધાવ્યો હતો. શાસક પક્ષના ઉમેદવારો તેમના કામ જ કરતાં ન હોવાની ફરિયાદ સાથે તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
નર્મદા જિલ્લાના ૩૧૫ ગામના લોકોને નારાજગી એ વાતે હતી કે લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ કરતાં નેતાઓ સમક્ષ વારંવાર રજૂઆત કર્યા છતાં તેમણે કામો કર્યા નથી. લોકોની મુખ્ય માગણી અલગ ગ્રામ પંચાયતની હતી. આ ઉપરાંત રસ્તા અને વીજળીના કામો પણ થતાં ન હોવાની તેમની ફરિયાદ હતી. આ તમામ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કરીને તેમના આક્રોશને વાચા આપી હતી.
આ સિવાય ડાંગ જિલ્લાના ચાર ગામોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તો નવસારીના આસુંદર ગામના ૩૦૦ આદિવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ધનસુરાના કોલવડામાં સિંચાઈના પ્રશ્ને લોકોએ બહિષ્કાર કર્યો હતો.
જૂનાગઢના ખાખરા હડતિયા ગામના રહીશોએ પ્રાથમિક શાળા, પાણી, રસ્તાના વણઉકેલ પ્રશ્નો અંગે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જામનગરના લાલપુરમાં પાણી, પાક વીમા જમીન સંપાદનની સમસ્યા, વગેરે મુદ્દે ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કાર કર્યો હતો. લાલપુરમાં એક પણ મત પડયો નહોતો. આ જ રીતે લાલપુર તાલુકાના ભણગોર ગામના તમામ મતદાતાઓએ પણ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.
આ ઉપરાંત, પોરબંદર અને ગોસાબારામાં ૩૦૦ જેટલા માછીમારોએ કર્લી જળાશયમાં માછીમારી પર મૂકવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
બોગસ વોટિંગનો વીડિયો
લોકસભા ચૂંટણી માટે ૨૩મી એપ્રિલે મતદાન યોજાયું હતું, જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતાં બાવળાના બાપુપુરા ગામે બોગસ વોટિંગ થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. કથિત વીડિયોમાં બાપુપુરા ગામના મતદાન મથકે અમદાવાદ જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ભાજપના જીતેન્દ્રસિંહ ચૌહાણ ઉર્ફે કા ભાઈ બોગસ મતદાન કરતા હોવાનું જોવા મળે છે. આ સાથે જ તટસ્થ અને ન્યાયી ચૂંટણીના દાવા વચ્ચે ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. કથિત વીડિયોમાં દેખાય છે કે, ભાજપના આગેવાન મતદાર યાદીમાં નામ જોઈને, નામ સામે સહી કરે છે તો અન્ય વ્યક્તિ ઈવીએમ પાસે ઊભો રહીને વોટિંગ કરે છે. આ બધું નજર સમક્ષ બની રહ્યું હોવા છતાં ચૂંટણી પંચના ફરજ ઉપર તૈનાત કોઈ અધિકારી કે કર્મચારી બોગસ વોટિંગનો વિરોધ કરતાં નથી.
ઊંઝા-ધ્રાંગધ્રામાં ક્રોસવોટિંગ
લોકસભાની સાથે યોજાયેલી ચાર વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણી પૈકી બે બેઠકો અનુક્રમે ઊંઝા અને ધ્રાંગધ્રામાં મોટા પાયે ક્રોસ વોટિંગ થયાનું ચિત્ર ઉપસ્યુ છે. બંને બેઠકોમાં આયાતી ઉમેદવારોને કારણે સ્થાનિકોએ કોંગ્રેસને જ્યારે લોકસભા મતક્ષેત્રોમાં મોદીના નામે ભાજપને મત આપ્યાનું વલણ રહ્યાનું સ્થાનિક રાજકીય નેતાઓનું કહેવું છે. માણવદર વિધાનસભા પોરબંદર લોકસભા હેઠળ આવે છે. જ્યારે જામનગર ગ્રામ્ય જામનગર લોકસભા હેઠળ. આ બંને બેઠકોમાં ઉપર-નીચે અનુક્રમે ૦.૫૧ ટકા અને ૦.૦૧ ટકા વોટિંગનો તફાવત રહ્યો છે. ઊંઝામાં ડો. આશાબહેન પટેલ સામે પહેલાથી જ રહેલો વિરોધ ચૂંટણીમાં લોકસભા કરતા ૨.૩૬ ટકા ઓછા મતદાનમાં પણ સ્પષ્ટપણે દેખાયો છે. જ્યારે ભ્રષ્ટાચારના આરોપ સાથે ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા પરસોત્તમ સાબરિયાના ધ્રાંગધ્રાની તુલનાએ ઉપર સુરેન્દ્રનગર લોકસભામાં ૦.૩૮ ટકા મતો વધુ પડયા છે. આમ, આ બંને બેઠકોમાં આશ્ચર્યજનક પરિણામો આવી શકે તેમ છે.

