અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા ટીનેજરે વયોવૃદ્ધ દાદીમાની નજર સામે જ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી પ્રસરી ગઇ છે. ૧૫ વર્ષના કિશોરે ફ્લેટ પરથી કૂદી પડતાં પૂર્વે નાઇજિરિયામાં રહેતા તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે ‘હું જાઉં છું...’ અને પછી તેણે ઝંપલાવી દીધું હતું.
સુફલામ ફલેટમાં પ્રકાશચંદ્ર ભરાડિયા (૭૨) અને પત્ની શીલાદેવી સાથે રહે છે. પ્રકાશચંદ્રના પુત્ર રાજેન્દ્રકુમાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને પત્ની તથા ૧૨ વર્ષની પુત્રી સાથે નાઈજિરિયામાં સ્થાયી થયા છે. જ્યારે તેમનો પુત્ર વિશાલ જોધપુરની બિરલા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતો હતો. ૨૮ ઓગસ્ટે પ્રકાશચંદ્ર ઉપર તેની સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે, તમારા પૌત્ર વિશાલને સ્કૂલમાંથી કાઢી મુકાયો છે. તમે આવીને તેને લઈ જાઓ. આથી વિશાલને જોધપુરમાં રહેતા તેના ફોઈના ઘરે મોકલી અપાયો હતો. આ પછી દાદા-દાદી વિશાલને અમદાવાદ લઇ આવ્યા હતા અને સ્થાનિક સ્કૂલમાં એડમિશન લઇ લીધું હતું. જોકે સ્કૂલમાં ફી ભરવાની હતી તે જ દિવસે ૨૫મીએ વિશાલે ડિપ્રેશનમાં આવીને મોતની છલાંગ લગાવી લીધી હતી. વિશાલે દાદીની નજર સામે જ ધાબા પરથી છલાંગ લગાવતા પૂર્વે પિતા અને મિત્રો-પરિચિતોને ફોન કરીને કહ્યું કે, હું જાઉં છું.

