વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સમાજ માટેના વિકાસકાર્યો ઉદાહરણ સમાન: વિજય રૂપાણી

Wednesday 10th January 2018 07:17 EST
 
 

અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા એનઆરઆઇ સ્નેહ મિલન સમારંભમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમાજમાં એક વર્ગ એવો છે જેની પાસે બધું જ છે અને એક વર્ગ એવો છે જેની પાસે કશું જ નથી. આ બન્ને વચ્ચેની ખાઇ દૂર કરવા માટેના ઉમિયા ફાઉન્ડેશનના કાર્યો ઉદાહરણીય બની રહેશે. રોજગાર, શિક્ષણ, વર્કિંગ વુમન હોસ્ટેલ જેવા કાર્યો જે સરકારે કરવા જોઇએ તે પાટીદાર સમાજ કરી રહ્યો છે તેની પણ તેમણે સરાહના કરી હતી.
શાહીબાગમાં ત્રીજીએ યોજાયેલા કાર્યક્રમમાં રૂપાણીએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દાતાઓનું પણ જાહેર સન્માન કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, એનઆરઆઇ રૂપે ભામાશા બેઠા હોય ત્યારે ગુજરાતે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તેમના સથવારાથી ગુજરાત વધુ ઉન્નત શિખરો સર કરશે. સંપત્તિ સમાજ ઉપયોગી અને સમાજ ઉત્થાન માટે વપરાય તે ઇશ્વરીય કાર્ય છે અને તે જ ખરી શ્રીમંતાઇ છે. તેમણે કહ્યું હતું કે, સમાજ માટે સંપત્તિ ખર્ચનારા હોય છે પરંતુ તેમને યોગ્ય સંસ્થા મળતી નથી તે તક ઉમિયા ફાઉન્ડેશને પૂરી પાડી છે. એક હજાર કરોડના ખર્ચે થનારા ઉમિયા ફાઉન્ડેશનનું કાર્ય પ્રેરણારૂપ બની રહેશે.
નીતિનભાઇએ જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ભગીરથ કામ દાતાઓની નાની-મોટી સખાવતથી જ સંપન્ન થશે. વિશ્વભરના પાટીદારો માટેનું હબ અમદાવાદ બન્યું છે તેને ધ્યાને લઇને ફાઉન્ડેશન અમદાવાદ ખાતે આકાર લઇ રહ્યું છે ત્યારે ગુજરાત બહારથી આવનારા દરેક વ્યક્તિ ફાઉન્ડેશન તથા ઉમિયા મંદિર જોઇને અભિભુત થાય તે માટે પણ શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter