વિશ્વ ગુજરાતી દિવસે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન શાહે શુભેચ્છા આપી

Tuesday 25th August 2020 15:30 EDT
 
 

ગાંધીનગર: વિશ્વ ગુજરાતી દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને વિશ્વભરમાં વસતા ગુજરાતી ડાયસ્પોરાને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતી અસ્મિતાના પ્રતીક વીર નર્મદના જન્મદિન ૨૪મી ઓગસ્ટને ‘વિશ્વ ગુજરાતી દિવસ’ તરીકે ઉજવાય છે.
૨૪મી ઓગસ્ટ ૧૮૩૩ના રોજ સુરતમાં જન્મેલા લેખક, કવિ અને પત્રકાર વીર નર્મદનું સ્મરણ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું કે, વીર નર્મદ આર્ષદ્રષ્ટા સર્જક, તત્ત્વજ્ઞાની, સામાજિક ન્યાયના પ્રણેતા અને ખુમારીવાળા કવિ હતા. આદ્યકવિ નર્મદે ‘દાંડિયો’ સામયિક દ્વારા પોતાની નિર્ભિક સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો હતો. સમાજસુધારક નર્મદની જન્મજયંતી નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાજંલિ. ‘વિશ્વ ગુજરાતી દિવસ’ની શુભેચ્છા આપતા મોદીએ જણાવ્યું કે, જ્યાં એક વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. વિદેશમાં વસીને પણ આપણે ગુજરાતીપણાને સંસ્કારિતા, અસ્મિતા અને સંવેદનશીલતાથી સાર્થક કરીએ.
ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને વિશ્વ ગુજરાતી દિવસે ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતે સંપૂર્ણ વિશ્વને મહાત્મા ગાંધીનો શાંતિનો સંદેશ અને સરદાર પટેલનું લોખંડી નેતૃત્વ આપ્યું છે. આજે વિશ્વ ગુજરાતી દિવસે હું સહુ ગુજરાતીઓને શુભકામનાઓ આપું છું અને વિશ્વાસ વ્યક્ત કરું છું કે ગુજરાતી સમાજ ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં નિરંતર કટિબદ્ધ રહેશે.

એનઆરજી વતનમાં ૫૦ ટકા ફાળો આપી તકતી મુકાવી શકશે
દેશ દુનિયામાં વસતા ગુજરાતીઓ પોતાના ગામ માટે કંઇ કરવાની ઇચ્છા પૂરી કરી શકે અને તેમના દાન મારફતે પોતાના વતનમાં સુવિધાઓ ઉભી થાય તે માટે રાજ્ય સરકારે બજેટમાં જાહેર કરેલી માદરે વતન યોજનાનો અમલ ૧૭મી ઓગસ્ટથી શરૂ કરાયો છે. આ યોજના હેઠળ ૨૫ કામોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. દાતાઓ કામના કુલ ખર્ચના ૫૦ ટકા રકમ આપશે તો તેમની તકતી મુકાશે. બાકીની રકમ રાજ્ય સરકાર ઉઠાવશે.
આ યોજના હેઠળ ગામમાં પાકા રોડ, ચોરો, પંચાયત ઘર, સ્કૂલ, સ્કૂલના ઓરડા, સ્માર્ટ ક્લાસ, પીવાના પાણીની સુવિધા, એસટી પીકઅપ સ્ટેન્ડ, સ્મશાન ગૃહ કે કબ્રસ્તાન, આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, સ્ટ્રીટ લાઇટ, કચરા નિકાલની વ્યવસ્થા, લાયબ્રેરી, ગામનું પ્રવેશ દ્વારા વગેરે જેવા કામોનો સમાવેશ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter