અમદાવાદઃ ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને વિદેશમાં વસતા ગુજરાતીઓના હિતોના જતન-સંવર્ધન માટે કાર્યરત સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના નવનિયુક્ત પ્રમુખ ભાવેશ શશીકાંત લાખાણીએ હોદ્દાનો કાર્યભાર સંભાળતા કહ્યું હતું કે એક વૈશ્વિક સંગઠનનું નેતૃત્ત્વ ઘણી મહત્ત્વની જવાબદારી છે, પણ મને આશા છે કે આપણે બધા સાથે મળીને - સમાજ અને સરકારના સહયોગથી સંસ્થાને નવી ઊંચાઇએ લઇ જઇશું.
કર્ણાવતી ક્લબમાં યોજાયેલા શાનદાર પદગ્રહણ સમારોહને સંબોધતાં તેમણે ખાતરી ઉચ્ચારી હતી કે ગુજરાતીઓની આ વૈશ્વિક સંસ્થા સરકાર અને સમાજને જોડતી અતૂટ કડી બની રહેશે. તેમણે કહ્યું હતું કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ જરૂરી છે, અને ગુજરાતના વિકાસ માટે આપણે સહુએ - ગુજરાતીઓએ સાથે મળીને કામ કરવું પડશે. આ પ્રસંગે તેમણે દિવાળી 2027 પૂર્વે વિશ્વ ગુજરાતી પરિષદ યોજવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે જ તેમણે સુવિધાસજ્જ વિશ્વ ગુજરાતી ભવનનું નિર્માણ કરવાની ઇચ્છા વ્યક્ત કરીને આ ભગીરથ કાર્ય માટે સરકારનો સહયોગ માગ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે મળેલી બેઠકમાં ભાવેશભાઇની સર્વાનુમતે પ્રમુખપદે વરણી કરાઇ હતી. ગુજરાતી ભાષા-સંસ્કૃતિના વારસાના જતન માટે પ્રતિબદ્ધ આ સંસ્થાનો ઉદ્દેશ સાકાર કરવા માટે સહુની પ્રેરણા અને માર્ગદર્શનની અપેક્ષા વ્યક્ત કરતા ભાવેશભાઇએ કહ્યું હતું કે હિતેન્દ્રભાઇ દેસાઇએ સ્થાપેલી અને કૃષ્ણકાંતભાઇ વખારિયાએ પોષેલી આ સંસ્થાનું નામ હું અને મારી ટીમના સભ્યો રોશન કરશું તેની ખાતરી આપું છું.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષપદે યોજાયેલા સમારોહમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઇ પટેલ, કૃષિ-પશુપાલન પ્રધાન જીતુભાઇ વાઘાણી, ‘ઇફકો’ના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, રાજ્યસભાના સાંસદ નરહરીભાઇ અમીન, સાંસદ દિનેશભાઇ મકવાણા, ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સંદીપ એન્જિનિયર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા નેતૃત્વને વધાવ્યું હતું.
નવનિયુક્ત પ્રમુખ ભાવેશભાઇ લાખાણીને જગદીશભાઇ વિશ્વકર્માએ પ્રમુખનો બેજ પહેરાવી અધિકૃત રીતે પદગ્રહણ વિધિ કરાવી સંસ્થાનો કાર્યભાર સોંપ્યો ત્યારે ઉપસ્થિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. દીપપ્રાગટ્ય, મહાનુભાવોનું અભિવાદન અને સન્માન બાદ વિશ્વ ગુજરાતી સમાજની ડોક્યુમેન્ટરી રજૂ કરાઈ હતી, જેમાં સંસ્થાની સ્થાપનાથી લઇને ત્રણ દાયકાનો ઇતિહાસ, વિવિધ સેવાકીય પ્રવૃતિઓની ઝાંખી અને ગૌરવવંતા ગુજરાતીઓના યોગદાનને રજૂ કરાયું હતું.
ભાવેશ શશીકાન્ત લાખાણી
સફળ બિઝનેસમેન,
સેવાનો વારસો ગળથૂંથીમાં
ભાવેશભાઇ શશીકાન્ત લાખાણી સફળ બિઝનેસમેન હોવા ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ છે. કોર્પોરેટ જગતમાં મોખરાનું સ્થાન ધરાવતા ભાવેશભાઇ ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને શહેરની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબના ડિરેક્ટર પણ છે. તેઓ ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ. શશીકાન્તભાઇ લાખાણીના પુત્ર અને જાણીતા કાનૂનવિદ તથા લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ યોગેશભાઇ લાખાણીના લઘુ બંધુ છે.
મહાસમિતિનું સર્વાનુમતે સમર્થન
સામાજિક સેવા ક્ષેત્રના અગ્રણી મહેન્દ્રભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલી મહાસમિતિની બેઠકમાં પ્રમુખપદ માટે ભાવેશભાઇ લાખાણીના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વજુભાઈ પરસાણા, બિપિનભાઈ સોની, મનીષભાઈ શર્મા સહિત ઉપસ્થિત તમામ સભ્યોએ આ પ્રસ્તાવને વધાવી લીધો હતો. સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે ભાવેશભાઇ લાખાણીના નેતૃત્વ પર મહોર મારી હતી. પૂર્વ પ્રમુખ ગોરધનભાઈ પટેલે પણ તેમનું વિશેષ સન્માન કરીને સંસ્થાની જવાબદારી સોંપી હતી.


