વિશ્વ ગુજરાતી સમાજના મોભી અને કાનૂનવિદ્ કૃષ્ણકાંત વખારિયાનું નિધન

Wednesday 25th January 2023 14:39 EST
 
 

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, બંધારણીય નિષ્ણાત ધારાશાસ્ત્રી તેમજ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદે સુદીર્ધ સેવાઓ આપનાર કૃષ્ણકાંત વખારિયાનું 22 જાન્યુઆરીએ 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પત્ની લીલાબહેન, પુત્ર મેહુલ વખારિયા (હાઇકોર્ટ એડવોકેટ), પુત્રીઓ અવની મહેતા અને બિંદુબહેન ઠક્કર એમ બહોળા પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.
અમદાવાદમાં સ્થપાયેલી અને બિનનિવાસી ગુજરાતીને એકતાંતણે બાંધતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના સ્થાપકોમાંના એક એવા કૃષ્ણકાંતભાઇએ વર્ષો સુધી સંસ્થાનું નેતૃત્વ કર્યું હતું. તેમજ વિશ્વ ગુજરાતી સમાજના મુખપત્ર ‘વિશ્વમેળો’ના તંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. કૌટુંબિક જીવન, વકીલાતની કારકિર્દી અને રાજકીય જીવનના સંભારણાને આલેખતું તેમનું પુસ્તક ‘યુગદર્શન’ નામે પ્રસિદ્ધ થયું છે.
અમરેલીના બગસરા ગામના વતની કૃષ્ણકાંત વખારિયાનો જન્મ 16 સપ્ટેમ્બર 1930ના રોજ થયો હતો. તેમના પિતા પાટડીના દિવાન હતા. વિરમગામ અને જૂનાગઢ ખાતે શાળાકીય શિક્ષણ લીધા બાદ બહાઉદ્દીન કોલેજ ખાતે આર્ટ્સનો અભ્યાસ કર્યો હતો.
જૂનાગઢમાં માધ્યમિક શિક્ષણ દરમિયાન તેમણે આરઝી હકૂમતના આંદોલનમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીકાળથી રાજકારણમાં સક્રિય થઇ ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ હેઠળના મજૂર સંઘની પ્રવૃત્તિ કરી હતી. તેઓ બાબરા, જસદણ અને ધારી બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 1975માં બીજી લોકસભા ચૂંટણીમાં પ્રજા સોશિયલિસ્ટ પાર્ટીમાંથી ગિરનાર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક આગળ જતાં અમરેલી લોકસભા બેઠક બની હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં 2010 સુધી તેના કાયદાકીય બાબતોના સલાહકાર રહ્યા.
કૃષ્ણકાંતભાઈએ રાજકોટથી વકીલાતની કારકિર્દી 1954માં શરૂ કરી. એ સમયે મુંબઈ હાઈકોર્ટની એક બેન્ચ રાજકોટમાં હતી. 1960માં અલગ ગુજરાત રાજ્ય સાથે ગુજરાત હાઈકોર્ટ અસ્તિત્વમાં આવી એટલે તેઓ રાજકોટ છોડી અમદાવાદ આવી ગયા હતા. તેમણે ચાર હાઈકોર્ટના ન્યાયાધીશો અને તુષાર મહેતા સહિત ઘણા નિયુક્ત વરિષ્ઠ વકીલો પણ આપ્યા છે. તેઓ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મુખપત્ર ‘ઇન્ડિયન એડવોકેટ્સ’ના એડિટર હતા.
ધીરુભાઇ અંબાણીના બાળસખા
જૂનાગઢમાં ભણતા હતા એ સમયે ચોરવાડથી આવેલા યુવાન ધીરજલાલ હીરાચંદ અંબાણી સાથે તેમની મિત્રતા થઈ હતી. જે સમય જતાં ધીરૂભાઈ અંબાણી (રિલાયન્સ સમૂહના સ્થાપક) તરીકે ઓળખાયા.
એબીપીએલ પરિવારના વર્ષોજૂના શુભેચ્છક-સમર્થક સ્વ.શ્રી કૃષ્ણકાંતભાઇના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter