વિશ્વ રંગભૂમિ દિનની અમદાવાદમાં ઉજવણી

ચોરામાં ગોઠવાયેલી મીઠી ગોઠડી બની મનનો ડાયરો

- નાટ્યકાર હરિશ વ્યાસ Thursday 11th April 2024 08:35 EDT
 
 

અમદાવાદઃ વિશ્વ રંગભૂમિ દિન ૨૭ માર્ચ. એ મંચ પર પ્રસ્તુત થતી બધી પર્ફોમીંગ આર્ટ્સને પોંખવાનો, સમૃધ્ધ કરવાનો દિવસ છે. મુખૌટે ક્રિએટીવ આર્ટ્સ દ્વારા - ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી સૂર્યોદય કોલોની, નવરંગપુરામાં લોકડાયરાનું આયોજન કરાયું હતું. ગીત-વાદ્યના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટી.વી. અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રીઓ હેમા મહેતા, જાગૃતિ ઠાકોર અને શિલ્પા ઠક્કરે ઉપસ્થિત રહી અભિનયનો રંગ ઉમેર્યો. મુખૌટે ક્રિએશન સંસ્થાના ટ્રસ્ટી કોકિલાબહેન જી. પટેલે સૌને દીપ પ્રાગટ્યમાં સહભાગી બનાવી ભેટ આપી સન્માન કર્યું.

શ્રોતાઓની સંખ્યા કરતાં ગુણવત્તા ધ્યાનમાં લેવી રહી. દાદ તો આપે જ, સાથે ફરમાયશ પણ કરે. સૌએ સમાપન સુધી કાર્યક્રમ માણ્યો. ઘેઘૂર અષાઢી કંઠના ગાયક રાજુભાઇ શ્રીમાળીએ લોકજીભે રમતાં સુંદર ગીતો સંભળાવ્યાં. વિશેષ તો હાલો કીડીબાઇની જાનમાં... લોકગાયકીના મર્મી ચંદ્રકાન્ત પંડ્યાએ ભાવ પ્રમાણે સ્વરભેટ કાકુના ઉપયોગથી જમાવટ કરી. તેમાં વળી ‘મારા વ્હાલાને વઢીને કહેજો...’ હૃદયના તાર ધ્રુજાવી ગયું. સુલોચના વ્યાસે લોકગીતોના વિવિધ ભાવ રંગના લ્હેરીયાં રચી થોડા સમયમાં આપણી લોકસંસ્કૃતિની ઝાઝેરી યાત્રા કરાવી.
કસબીઓની સંગતે ડાયરાને મધુરતા અને કર્ણપ્રિયતાથી તરબતર કર્યો. તેમાંય બેન્જો માસ્ટર રજનીકાન્ત સુથારનો વિશેષ ઉલ્લેખ કરવો જ રહ્યો. જેમણે મૂળ લોકગીતો સાથે રહી એ જ લય, તાલ અને તર્જમાં અન્ય ધૂન વગાડી શ્રોતાઓના મનને સંગીત વિહાર કરાવી પાછા સમ પર લાવી દીધાં.
ડાયરાની સફળતામાં માંડવો રોપવાથી માંડી મહેમાનોની વિદાય સુધી દોડતાં રહેલાં નીલુબહેનની આત્મીયતા અને યત્ન આંખે ઉડીને વળગે તેવાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter