વિશ્વ હિંદુ પરિષદના ડો. તોગડિયા સવારે ગુમઃ રાત્રે અર્ધબેભાન મળ્યાં

Wednesday 17th January 2018 06:05 EST
 
 

અમદાવાદ: વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા વાસી ઉત્તરાયણના દિવસે નવ કલાક ગાયબ થઈ જવાથી હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પ્રવીણ તોગડિયાની દસ વર્ષ જૂના કેસમાં ધરપકડ માટે રાજસ્થાન પોલીસ તેમના સોલા સ્થિત નિવાસસ્થાને આવી હતી જ્યાં તેઓ મળ્યા ન હતા અને રાજસ્થાન પોલીસ તેઓને લીધા વિના રાજસ્થાન પોલીસ રવાના થઈ ગઈ હતી તેવું અમદાવાદ પોલીસ કમિશનર એ. કે. સિંઘે જાહેર કર્યું હતું. તો બીજી તરફ મુંબઇથી અમદાવાદના પાલડીના વિહિપ કાર્યાલય પર રાતવાસો કરનારા તોગડિયા ૧૫મીએ સવારે ૧૦.૩૦ વાગે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. ૧૧.૦૦ વાગ્યા સુધી તેમનો મોબાઈલ ફોન ચાલુ હતો. તોગડિયા ગાયબ થવાની વાત ફેલાતાં દેશભરમાં વિહિપના કાર્યકરોમાં ઉત્તેજના ફેલાઈ હતી. વિહિપના કાર્યકરોએ સોલા પોલીસ સ્ટેશન સહિત અન્ય સ્થળે દેખાવો કરી ચક્કાજામ કર્યા હતા. એ પછી રાત્રે તોગડિયા અમદાવાદના શાહીબાગમાં આવેલી ચંદ્રમણિ હોસ્પિટલમાં અર્ધબેભાન અવસ્થાનમાં દાખલ થયા હોવાની માહિતી બહાર આવી હતી.
નોબલનગરના કોતરપુર વોટર વર્કસની વિરાન જગ્યામાં તોગડિયા બેભાન પડયાં હતા અને કોઈ અજાણ્યા માણસોએ ૧૦૮ બોલાવીને તેમને ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. નવ કલાક સુધી ડો. પ્રવીણ તોગડિયા ગુમ થયા હતા કે પછી ગુમ કરાયા હતા તેવા અનેક પ્રશ્નો ચર્ચામાં છે. પોલીસે જણાવ્યું છે કે તોગડિયા સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ આ ઘટના વિશે નિવેદન આપશે. ચંદ્રમણિ હોસ્પિટલના ડો. રૂપકુમાર અગ્રવાલના જણાવ્યા મુજબ, તોગડિયાનું શુગર લેવલ લો થઇ જવાથી તેઓ બેભાન હતા
પણ હવે તેમની હાલત સુધારા ઉપર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter