અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાને હવે વિશ્વ હિન્દુ પરિષદમાંથી હટાવીને ઘરભેગા કરવાનો કારસો રચાયાની ચર્ચા છે. વીએચપીની થોડા સમય પહેલાંની ચૂંટણી અટકતાં તોગડિયાને પ્રમુખપદે રખાયા હતા. હવે ૧૩-૧૪મી એપ્રિલે નવી દિલ્હીમાં ચૂંટણી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં તોગડિયા અમદાવાદમાંથી એકાએક ગુમ થયા હતા અને એક ખાનગી હોસ્પિટલમાંથી મળ્યા હતા. તેમણે પોલીસ પર આક્ષેપ મૂક્યો હતો કે, પોલીસ મારું એન્કાઉન્ટર કરવા માગે છે. આ ઉપરાંત ભૂતકાળમાં તેમણે કહ્યું હતું કે, અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની કચેરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયનાં ઇશારે જ કામ કરે છે અને ભૂતકાળમાં પણ તેઓએ મોદીની આકરી ટીકાઓ કરી હતી. વીએચપી કાર્યકરોમાં પણ ચર્ચા હોય છે કે એક સમયનાં મોદીના વિશ્વાસુ તોગડિયા અને મોદી વચ્ચે અત્યારે સંબંધો વણસ્યા છે. તોગડિયા મોદીનો આદેશ પણ માનતા નથી તેમજ પોતાની ઇચ્છા મુજબ મુજબ જ નિર્ણય લે છે.
કેન્સરના સર્જન ડો. પ્રવીણ તોગડિયા વર્ષોથી વિહિપમાં સેવા બજાવી રહ્યા છે. ભાજપને ગુજરાતમાં સત્તા અપાવવામાં પણ તેમનો સિંહફાળો છે, પરંતુ મોદી સામે સીધો હુમલો કરતા હવે તેમના વળતા પાણી નિશ્ચિત ગણાય છે.


