રાજકોટઃ વર્ષ-૨૦૨૧ના પ્રથમ દિવસે ગુજરાતમાં રાજકોટ સહિત દેશના ૬ રાજ્યોમાં ગરીબો માટેના શહેરી આવાસોના લાઈટ હાઉસ પ્રોજેક્ટનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી જાન્યુઆરીએ શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશના ૬ રાજ્યોના ૬ શહેરોમાં નિર્માણ પામનારા આવાસો અત્યાધુનિક, પોષાય તેવા અને આપદા પ્રતિરોધક હશે. દેશમાં શહેરી આવાસોના નિર્માણમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટની ટેક્નોલોજી નવી દિશા બતાવતા પ્રકાશસ્તંભ સમાન બનશે.
રાજકોટ, રાંચી, અગરતલા, ચેન્નઈ, લખનૌ અને ઈન્દોરમાં ૧-૧ હજાર આવાસોના પ્રોજેક્ટની વર્ચ્યુઅલ આધારશિલા રાખતાં મોદીએ કહ્યું કે, દેશમાં ઝડપી વિકાસ માટે આમૂલ પરિવર્તન લવાઈ રહયું છે. જે અંતર્ગત વિશ્વની ઉત્કૃષ્ટ નવી ટેકનોલોજીના સહારે પર્યાવરણ સાથે તાલ મિલાવતા, આપત્તિ પ્રતિરોધક, આવશ્યક સુવિધાઓથી સજ્જ હાઉસિંગ પ્રોજેક્ટ સાકાર થશે.
ગુજરાતમાં ફ્રેન્ચ, ઝારખંડમાં જર્મન ટેક્નોલોજી
હાઈ એન્ડ ટેક્નોલોજીથી બનતા આવાસોમાં રાજકોટમાં ફ્રેન્ચ, લખનૌમાં કેનેડા, રાંચીમાં જર્મન થ્રીડી કન્સ્ટ્રક્શન સિસ્ટમ, અગરતલામાં ન્યૂ ઝીલેન્ડની સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગતના પ્રત્યેક ફ્લેટ માટે રૂ. ૧૨.૫૯ લાખનો ખર્ચ થશે જેમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકાર રૂ. ૭.૮૩ લાખનું અનુદાન આપશે. લાભાર્થીને રૂ. ૪.૭૬ લાખ આપવાના રહેશે.
ગુજરાતને હાઉસિંગમાં ૩ પુરસ્કાર - રૂપાણી
આ અવસરે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ નવી ટેકનોલોજીના સહારે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે ૧૧૪૪ આવાસોનું નિર્માણ થશે.
ગુજરાતને પોલીસી ઈનોવેશન માટે પ્રથમ, ખાનગી જમીન ઉપર બેસ્ટ અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજકટ માટે બીજો અને ઈન-સી ટુ સ્લમ રિહેબિલિટેશન એવોર્ડ અપાયો છે. તેમાં ૬૦૦૦૦ આવાસની અનુમતિ મળી છે.














