વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણની તૈયારી અંતિમ તબક્કામાં

Monday 22nd October 2018 06:05 EDT
 
 

રાજપીપળાઃ સરદાર સરોવર બંધ નજીક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ પહેલાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૧મી ઓક્ટોબરે, સરદાર જયંતીએ તેનું લોકાર્પણ થશે. અગાઉ નક્કી થયા મુજબ મોદી સી-પ્લેનથી કેવડિયા ઉતરાણ કરવાના હતા. પરંતુ શક્યતઃ કેટલાક કારણોસર સી-પ્લેનમાં નહીં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. વડા પ્રધાનની સાથે આવનાર અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો હેલિકોપ્ટર દ્વારા આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સરદારની પ્રતિમાના લોકાર્પણના ભવ્ય પ્રસંગના ભાગરૂપે કેવડિયા અને નજીકની જગ્યામાં ૫થી ૧૦ હજાર માણસો સમાઇ શકે તેવો મંડપ બનાવાઈ રહ્યો છે. આ મંડપમાં મોટાભાગના આમંત્રિતો બેસી શકશે.
વડા પ્રધાન, ચાર રાષ્ટ્રના પ્રમુખ, દેશના ૧૫ જેટલા રાજ્યોનાં મુખ્ય પ્રધાનો, અગ્રણી નેતાઓ અને ઉચ્ચ સરકારી અધિકારી અને આમંત્રિતોને આવકારવા હેલિપેડથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના સવા બે કિલોમીટરના માર્ગ પર ૩૩ રાજ્યોમાંથી આવેલા ૯૦૦ જેટલા કલાકારોને ઉભા રાખવામાં આવશે. સ્ટેજ પર વડા પ્રધાનની હાજરીમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરવામાં આવશે.
૩ કલાકનો સમારંભ
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો લોકાર્પણ સમારંભ ત્રણ કલાક સુધી ચાલશે. મોદીના હસ્તે સરદારની રેપ્લિકાને પૂજાવિધિ સાથે ખુલ્લી મુકાશે. તે સમયે સાતથી આઠ હજાર જેટલા આમંત્રિત મહેમાનો ત્યાં ઉપસ્થિત હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની પણ તૈયારી અંતિમ તબક્કામાં છે. એ સમયે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘે આ વિસ્તારની સમગ્ર કામગીરીની બારીક સમીક્ષા કરી હતી અને કાર્યક્રમમાં કોઈ ખામી ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કેવડિયામાં મુખ્ય પ્રધાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને સરદારના વિરાટ વ્યક્તિત્વ અને બુલંદ મિજાજને ઉજાગર કરતું અને દેશવાસીઓને સદીઓ સુધી પ્રેરણા આપનારું અનેરું સ્મારક ગણાવ્યું હતું. પ્રતિમાના પરિસરમાં શ્રેષ્ઠત્તમ પ્રવાસન સુવિધાઓ થકી આ સ્થળ વિશ્વકક્ષાનું અજોડ પ્રવાસનધામ બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રૂપાણીએ સરદાર પટેલની પ્રતિમા, વિવિધ રાજ્યોના ગામોની માટીથી તૈયાર થનારા લેન્ડસ્કેપ વોલ ઓફ યુનિટી તેમજ ૧૭ કિ.મી. લાંબી અને ૨૩૦ હેક્ટરમાં ઉભી થનારી વેલી ઓફ ફ્લાવરનું જાતનિરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ટેન્ટ સિટી, એક ભારત, શ્રેષ્ઠ ભારત ભવન સાઈટ, ફૂડકોર્ટ, સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝિયમ, વિઝીટર્સ સેન્ટર વગેરે સ્થળોની પણ મુલાકાત લઇને તલસ્પર્શી વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી જાણી હતી. સરદાર સરોવર ડેમથી ત્રણ કિ.મી.દૂર નર્મદા નદીના પટમાં સાધુ બેટ પર તૈયાર થઇ ચૂકેલા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રૂપાણીએ સાધુ બેટની મુલાકાત લીધા બાદ જિલ્લા વહીવટીતંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી.
૧૦ હજાર ગામમાં એક્તા યાત્રા
આ સાથે સરદાર પટેલનો એકતા અને અખંડિતાતનો મેસેજ ગામેગામ પહોંચતો કરવા માટે સરકાર દ્વારા એકતા યાત્રાનું પણ આયોજન કરાયું છે. ગુજરાતના ૧૦ હજાર ગામોમાં આ એકતાયાત્રા બે તબક્કામાં યોજાવાનું સરકાર દ્વારા જાહેર કરાયું છે. જેના ભાગરૂપે રૂપાણીએ તાજેતરમાં એકતા યાત્રાની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું હતું. આ વેબમાં એકતા યાત્રાના હેતુઓ અને વિગતવાર કાર્યક્રમોની માહિતી છે. આ યાત્રા દરમિયાન સરદાર સાહેબનાં જીવનકવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચર્ચા યોજાશે. તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વીડિયો પણ પ્રદર્શિત કરાશે.
...તો જૂનાગઢ માટે વિઝા લેવા પડત
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સરદાર પટેલની કર્મભૂમિ બારડોલી નગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત ૭ જિલ્લાની એકતા રથયાત્રાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબે દેશને એક કર્યો છે. રજવાડાઓ જો એક ન થયા હોત તો જૂનાગઢ કે હૈદરાબાદ જવા આજે પણ વિઝા લેવા પડતાં હોત. દેશની એકતા અખંડિતતાનો આ ભાવ ૧૦ હજાર ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter