કેવડિયા કોલોનીઃ દેશના લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મ જયંતી ૩૧ ઓક્ટોબરે નર્મદા ડેમની નજીક સાધુ બેટ ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. આ પ્રસંગ માટે ૩૦મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. ગાંધીનગરમાં તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. આ વૈશ્વિક ઘટના બને તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને મંગળવારે મોડી સાંજ સુધીમાં આખરી ઓપ અપાયો હતો.
વડા પ્રધાન સ્મારકના સ્થળે પહોંચીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના અનાવરણ માટે બટન દબાવશે તે જ ક્ષણે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ સાધુ બેટના આકાશને ત્રિરંગાની પ્રતિકૃતિથી આકાશને ભરી દેશે. વડા પ્રધાન રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન ‘ધ વોલ ઓફ યુનિટી'નું અનાવરણ કરશે તે જ ક્ષણે ત્રણ જગુઆર લડાકુ વિમાનો એકદમ નીચી સપાટીએ નર્મદા ડેમ ઉપરથી ‘સ્ટેચ્યુ'ની દિશામાં ઉડાણ ભરશે. મોદી જ્યારે સરદાર પટેલના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરશે ત્યારે વાયુ સેનાના બે એમઆઇ-૧૭ હેલિકોપ્ટર પણ આકાશમાં સ્થિર બનીને સરદાર પટેલના ચરણોમાં પુષ્પવૃષ્ટી કરશે. સમગ્ર સાધુ બેટ ખાતે વિવિધ સ્થળો ઉપર વિશેષ કરીને વડા પ્રધાન અને અન્ય મહાનુભાવો જે સ્થળેથી લોકાર્પણો માટે પસાર થવાના છે ત્યાં દેશના ૩૩ રાજ્યોના કલાકારો ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરશે. વડાપ્રધાન સ્ટેચ્યુના લોકાર્પણ માટે આગળ વધશે ત્યારે ગુજરાત પોલીસ, ભારતીય લશ્કરની ત્રણેય પાંખ, અર્ધ લશ્કરી દળો દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતો રેલાવશે.
કાર્યક્રમની રૂપરેખા
રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘે પ્રતિમાના લોકાર્પણ સમારંભ કાર્યક્રમની વિગતો આપતાં જણાવ્યું હતું કે, મોદી ૩૧મીએ સવારે ૯ વાગ્યે કેવડિયા હેલિપેડ પહોંચશે. સવારે ૯.૧૦ મિનિટે તેઓ વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેશે. ૯.૫૦ કલાકે તેમનું ટેન્ટ સિટી આગમન થશે. ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યા બાદ તેઓ ૧૦.૧૫ કલાકે સભા સ્થળ પર પહોંચશે. ૧૦.૨૦ મિનિટે તેઓ વોલ ઓફ યુનિટી પર પહોંચશે. ૧૧.૩૫ વાગ્યે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમાનું લોકાર્પણ કરશે. ૧૧.૪૫ કલાકે તેઓ મ્યુઝિયમની મુલાકાત લેશે અને ૧૨.૧૫ કલાકે હેલિપેડ જવાના રવાના થશે. લોકાર્પણ સમારંભ માટે સરકાર તરફથી ૪,૯૭૮ જેટલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
સરદારના વારસદારોને આમંત્રણ
કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલના ભારતમાં રહેતા ૩૭ અને વિદેશમાં વસતા ૨૦ વંશજ-પરિવારજનોને મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. તેમને ગોલ્ડન કેટેગરીના મહાનુભાવો ગણવાની સાથે વિશેષ પ્રકારનો દરજ્જો આપી સમારંભ સ્થળે લવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાયમી ગેસ્ટ તરીકે દરજ્જો પામેલા મહેમાનોમાં સરદાર સાહેબના કરમસદમાં વસતા ભાઈ ભૂપેન્દ્રભાઈ મનુભાઈ પટેલ તથા શાંતાબહેન મનુભાઈ પટેલ અને તેના પરિવારના દરેક સભ્યોને આમંત્રણ અપાયાં છે.
આ ઉપરાંત સરદાર પટેલના અન્ય ભાઈ સોમાભાઈ વશંજોમાં ધીરજલાલ પટેલ તથા પરિવારજનોને આમંત્રણ પાઠવાયાં છે જ્યારે વિદેશમાં રહેતા સોમાભાઈના પરિવારના તમામ સભ્યોને પણ આમંત્રણ પાઠવાવમાં આવ્યું છે. લગભગ ૧૧૦૦૦ આમંત્રિતોની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોદીના હસ્તે ૩૧ ઓક્ટોબરે લોકાપર્ણ થશે, પણ આ સમારોહમાં સરદાર પટેલના પૌત્ર ગૌતમભાઈ પટેલ અને તેમનાં પત્ની નંદિની પટેલ હાજર નહીં રહે. ૭૮ વર્ષીય ગૌતમભાઈ અને તેમના પત્ની આમ તો વડોદરામાં રહે છે, પણ તેમનો પુત્ર કેદાર અમેરિકામાં સ્થાયી થયો હોવાથી તેઓ વડોદરા અને અમેરિકા વચ્ચે આવન જાવન કરતા રહે છે. હાલમાં પણ તેઓ અમેરિકા છે.
ગુજરાતી મહાનુભાવોની જ હાજરી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના ઐતિહાસિક પ્રસંગે મોદી સહિત માત્ર ગુજરાતી મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. અન્ય કોઇ રાજકીય આગેવાનો કે પ્રધાનોની હાજરી આ કાર્યક્રમમાં નહીં હોય. આ કાર્યક્રમ વિશેષ ઝાકઝમાળ વિના સાંસ્કૃતિક ભવ્યતા અને ગુજરાતની ગરિમાને ઉજાગર કરીને યોજવાનું આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત અને ગુજરાતીઓનું પ્રભુત્વ છલકશે.
પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા વિશેષ ઉપસ્થિત રહેશે. આ સાથે ગૌતમ અદાણી, સુધીર મહેતા, પંકજ પટેલ સહિતના ટોચના ઉદ્યોગપતિઓ હાજરી આપશે.
સરદાર વલ્લભભાઇ પટેલના ૩૬ જેટલા પરિવારજનો આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. લોકાર્પણ કાર્યક્રમમાં ૮થી ૧૦ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહે તેવું આયોજન છે. ગુજરાત સરકાર દ્વારા તમામ રાજ્યોના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનને તેમના પ્રધાનમંડળ સાથે પ્રતિમા નિહાળવા આમંત્રણ છે, પરંતુ તેઓને લોકાર્પણ પછી નવેમ્બર મહિનામાં તેમની અનુકૂળતા પ્રમાણે આવવાનું કહેવાયું છે.


