અમદાવાદઃ સૂર્ય ઊર્જાથી ઉડતું દુનિયાનું પ્રથમ વિમાન ‘સોલર ઇમ્પલ્સ-૨’ ગત સપ્તાહે અમદાવાદના આંગણે આવ્યું ત્યારે આ શહેર એક ક્રાંતિકારી શોધનું ઐતિહાસિક સાક્ષી બન્યું હતું. સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને ઉડતું વિશ્વના આ પ્રથમ વિમાનમાં અનેક વિશેષતાઓ છે. તેના માટે અમદાવાદ એરપોર્ટ પર સફળ ઉતરાણ અને પાર્કિંગ માટેની પણ આગવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીએ સોલર ઇમ્પલ્સના પાર્કિંગ માટે ખાસ પ્રકારનું હેન્ગર બનાવ્યું છે. જેથી વિમાનને વધુ સુરક્ષિત રાખી શકાય અને કોઇ શિડ્યુલ ફ્લાઇટ્સની મુવમેન્ટને અસર ન થાય. તે ઉપરાંત સ્વિત્ઝરલેન્ડથી આવેલી એન્જિનિયર્સની એક ટીમ વિમાનની દરેક મુવમેન્ટને સફળ બનાવવા ઓથોરિટીને મદદરૂપ પણ થઇ રહી છે. આ વિમાને બુધવારે વારાણસી જવા ઉડાન ભરી હતી. આ વિમાનને જોવા અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી હજ્જારો લોકો એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા.
વિમાનના બે પાઈલટ બર્ટ્રાન્ડ પિકાર્ડ અને એન્ડ્રે બોશબર્ગે આ પ્લેન અંગે અનુભવો જણાવ્યા હતા. પિકાર્ડે જણાવ્યુ હતુ કે, ‘અમે માત્ર પ્લેન નથી ઉડાડતા પણ ક્લીન અને ગ્રીન એનર્જીના વિચારને ઉડાડીએ છીએ જે વિશ્વની પ્રજા અને સરકારોને અસર કરશે.
બોશબર્ગે જણાવ્યું કે, ‘અમે એવીએશન સેક્ટર પાસે મદદ માગી તો નકારી દીધી હતી. તેથી અમે અમારું પોતાનું એરક્રાફ્ટ વિકસાવ્યું. આ એરક્રાફ્ટ સુર્યની તાકાતથી દિવસ રાત ચાલવા સક્ષમ છે પણ તેનું સંપૂર્ણ પરીક્ષણ બાકી છે. માનવરહિત પ્લેન વિકાસાવવમાં આવે તો તે સતત છ મહિના સુધી આકાશમાં ઊડતું રહી શકે છે જે કોમ્યુનિકેશનક્ષેત્રમાં મદદગાર સાબિત થઇ શકે તેમ છે. પાકાર્ડે ઉમેર્યું કે ‘ગુજરાત ઔદ્યોગિક વિકાસનું હબ છે એટલે અહીંના લોકો ટેકનોસેવી છે. ગુજરાતમાં સોલર એનર્જીનું ભવિષ્ય ખૂબ ઊજળું છે. અમારી આ ટેકનોલોજીના પ્રચાર પસાર માટે અમે ગુજરાતની પસંદગી કરી છે.’