વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બી.વી દોશીનું 95 વર્ષની વયે નિધન

Tuesday 24th January 2023 12:15 EST
 
 

અમદાવાદઃ દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા ગુજરાતના આર્કિટેક બી.વી. દોશીનું નિધન થયું છે. બી.વી દોશીએ સોમવારે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનને લઈને અનેક નામી હસ્તિઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આર્કિટેક્ટની દુનિયામાં તેઓ ખૂબ જાણીતું નામ હતા.
બી.વી દોશીએ 20મી સદીના બે ખૂબ જ જાણીતા આર્કિટેક્ટ લા કોર્બ્યુઝિયર અને લુઈસ કાહ્ન સાથે કામ કરેલું હતું. તેમણે આઇઆઇએમ-બેંગ્લૂરુ, આઇઆઇએમ-ઉદેપુર, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી-નવી દિલ્હી સહિત 100થી વધુ બિલ્ડીંગની ડિઝાઈન બનાવી હતી.
અમદાવાદમાં તો બી.વી દોશીએ અનેક જાણીતી ઈમારતોની ડિઝાઈન તૈયાર કરી હતી. જેમાં સેપ્ટ યુનિવર્સિટી, અમદાવાદની ગુફા, પ્રેમાભાઈ હોલ, ટાગોર મેમોરિયલ હોલ તથા આઇઆઇએમ-અમદાવાદની ડિઝાઈનમાં પણ તેમનું યોગદાન હતું. બી.વી દોશીને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2022માં જ તેમને રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટનો રોયલ ગોલ્ડ મેડલ અપાયો હતો. જ્યારે 2018માં તેમને પ્રિત્ઝકર પ્રાઈઝ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જે આર્કિટેક્ચરના ક્ષેત્રમાં નોબલ પ્રાઈઝ જેટલું મહત્વ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter