અમદાવાદ: અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાને આજે મહિનો વીતી ગયો છે, પણ આ કમનસીબ ઘટનામાંથી બચી ગયેલા એકમાત્ર સદનસીબ પ્રવાસી વિશ્વાસકુમાર રમેશના દિવસો આજે પણ ટ્રોમામાં પસાર થઇ રહ્યા છે.
એક અખબારી અહેવાલમાં વિશ્વાસકુમારના સ્વજનને ટાંકીને જણાવાયું છે કે ‘પ્લેનક્રેશની ઘટના બાદ વિશ્વાસકુમાર રમેશ આજે પણ અડધી રાત્રે અચાનક જાગી જાય છે અને પછી ઉંઘી શકતા નથી, તે લોકો સાથે વાત કરવાનું પણ ટાળે છે...’
તેમનું કહેવું હતું કે વિશ્વાસકુમાર હજુ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી, આજે પણ મનોચિકિત્સક પાસે સારવાર લેવી પડી રહી છે. અમદાવાદમાં ગયા મહિને થયેલા પ્લેનક્રેશમાં વિમાનમાં સવાર 241ના મોત થયા હતા અને એકમાત્ર મુસાફર દીવના વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયો હતો. જેના કારણે લોકોએ તેને નસબીનો બળિયો ગણાવ્યો હતો. જોકે, આ હોનારતમાં પોતાના ભાઈ અજયને પણ ગુમાવનારા વિશ્વાસકુમારને હાલ મનોચિકિત્સકોની મદદ લેવાની જરૂર પડી રહી છે.
અખબારી અહેવાલમાં, તેમના પિતરાઈ સન્નીને ટાંકીને જણાવાયું હતું કે, 'અમારા ઘણા સ્વજનો વિદેશથી ફોન કરે છે અને વિશ્વાસ સાથે વાત કરવા માગે છે. પરંતુ વિશ્વાસ કોઇ પણ સાથે વાત કરવાનું પસંદ કરી રહ્યો નથી. પ્લેનક્રેશ અને તેમાં તેના ભાઇના મૃત્યુના આઘાતમાંથી તે હજુ બહાર આવી શક્યો નથી.
અહેવાલ અનુસાર વિશ્વાસ કુમારને ઉંઘવામાં પણ તકલીફ પડી રહી છે. અમે તેને બે દિવસ અગાઉ મનોચિકિત્સક પાસે લઈ ગયા હતા. તેની સારવાર શરૂ જ થઇ હોવાથી લંડન પરત ફરવાનું તેણે હજુ કોઈ આયોજન કર્યું નથી.” પ્લેનક્રેશ બાદ વિશ્વાસને પાંચ દિવસ સુધી સિવિલમાં સારવાર આપવામાં આવી હતી.