અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાને ૧૩ ફેબ્રુઆરીના રોજ ગુજરાત યુનિવર્સિટી ડી. લિટની માનદ પદવી રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત કરશે.
‘ગુજરાત સમાચાર’ના માનદ્ તંત્રી અને કટાર લેખક શ્રી પંડ્યા ગુજરાતી - હિન્દી - સિંધી - સંસ્કૃત – કચ્છી - ઉર્દુ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે. ગુજરાત યુનિવર્સિટીએ તેમને છેલ્લાં ૫૦ વર્ષથી પત્રકારત્વમાં પ્રદાન માટે ડી. લિટ (ડોક્ટર ઓફ લિટરેચર)નું સન્માન આપ્યું છે. આ પ્રસંગે આવું સન્માન પ્રાપ્ત કરનારા અન્ય મહાનુભાવોમાં ખ્યાત સાહિત્યકાર રઘુવીર ચૌધરી, ગુણવંત શાહ, અંકિત ત્રિવેદી, કાનૂનવિદ્ સુધીર નાણાવટી, બીએપીએસના સાધુ બ્રહ્મવિહારીદાસજી, રાજકોટની આર્ષ વિદ્યામંદિરના અધ્યક્ષ સ્વામી પરમાત્માનંદનો સમાવેશ થાય છે. વિષ્ણુ પંડ્યાએ ૧૯૭૫-૭૬માં કટોકટી અને સેન્સરશિપ સામે લડત આપીને એક વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. તેમણે ‘સાધના’ના તંત્રી ઉપરાંત ‘જનસત્તા-લોકસત્તા’, ‘ચાંદની’, ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ (ગુજરાતી), ‘વિશ્વમેળો’નાં તંત્રી મંડળમાં લાંબા સમય સુધી કામ કર્યું. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ સહિત વિવિધ યુનિવર્સિટીમાં પત્રકારત્વનું અધ્યાપન અને પત્રકારત્વ વિશેનાં ૧૫ પુસ્તકોનું લેખન કર્યું છે. વિવિધ દૈનિક સાપ્તાહિકોમાં તેમની કોલમ લોકપ્રિય છે. માખનલાલ ચતુર્વેદી વિશ્વ વિદ્યાલયની ફેલોશિપ હેઠળ તેમનું સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ પુસ્તક પ્રકાશિત થયું છે.


