વિસ્ફોટ કેસના ચુકાદાને જમિયત હાઈ કોર્ટમાં પડકારશે

Wednesday 23rd February 2022 06:38 EST
 
 

સહારનપુરઃ અમદાવાદમાં ૨૦૦૮માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં અદાલત દ્વારા ૩૮ દોષિતોને મૃત્યુદંડ તેમજ ૧૧ અન્યને આજીવન કેદની સજા ફટકારવામાં આવી તે બાદ જમિયત ઉલેમાએ હિન્દના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના સૈયદ અરશદ મદનીએ અદાલતના ચુકાદાને અવિશ્વસનીય ગણાવ્યો છે. મૌલાના મદનીએ કહ્યું હતું કે આ ચુકાદા વિરુદ્ધ હાઈ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જમિયત ઉલેમા એ હિન્દ આવા કેસમાં હેલા પણ કાનૂની લડત લડતી આવી છે. તેમણે સાથે જ અક્ષરધામ હુમલાનું પણ ઉદાહરણ આપ્યું હતુ. મીડિયા સાથેની વાતચીતમાં મૌલાના મદનીએ કહ્યું હતું કે અમદાવાદ વિસ્ફોટ મુદ્દે કોર્ટનો ચુકાદો અવિશ્વસનીય છે. તેની વિરુદ્ધ જમિયત હાઇકોર્ટના દરવાજા ખખડાવશે. જમિયતના વડાએ કહ્યું હતું કે જમિયત તરફથી દેશના નામાંકિત વકીલો હાઇ કોર્ટમાં આ કેસ લડશે. મૌલાના મદનીએ કહ્યું હતું કે અમને આ કેસમા ન્યાય મળશે.  અક્ષરધામ હુમલા કેસનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે, અક્ષરધામ કેસમાં નીચલી કોર્ટે મુફ્તી અબ્દુલ કૈય્યૂમ સહિત ત્રણ લોકોને ફાંસીની સજા ફટકારી હતી અને ચારને આજીવન કેદની સજા આપી હતી. હાઈ કોર્ટે પણ લોઅર કોર્ટના ચુકાદાને જાળવી રાખ્યો હતો. મૌલાનાએ કહ્યું કે તે બાદ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જ્યાં  અમે અમારો પક્ષ રજૂ કરતા સુપ્રીમ કોર્ટે તમામને નિર્દોષ છોડીને પોલીસને ફટકાર પણ લગાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter