અમદાવાદઃ શહેરમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સોમવારે જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રોશભેર જણાવ્યું હતું કે, ૪૦ વર્ષથી આતંકવાદ હિંદુસ્તાનનાં હૃદયમાં ગોળીઓ મારતો રહ્યો છે, પરંતુ વોટબેન્કની રાજનીતિમાં ડૂબેલાં લોકો પગલાં ભરતાં ડરતાં હતાં. પરંતુ હું લાંબો સમય રાહ જોઈ શકતો નથી, વીણી વીણીને હિસાબ લેવો તે મારો સ્વભાવ છે. હવે ઘરમાં ઘૂસીને મારીશું. ક્યાં સુધી તેઓ નિર્દોષને મારશે? આ વિધાન સાંભળી જાહેર સભામાં હાજર લોકોએ મોદી... મોદીના ગગનભેદી નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, પાતાળમાં હશે તેને પણ છોડીશ નહીં. એર સ્ટ્રાઇક પર રાજનીતિ મુદ્દે પણ વડા પ્રધાને નારાજગી વ્યક્ત કરી હતી. પાકિસ્તાન સામેની એર સ્ટ્રાઈકને લઈ વડા પ્રધાને વિપક્ષો પર નિશાન સાધ્યું હતું.
વિરોધ પક્ષોને આડે હાથે લેતાં મોદીએ કહ્યું કે, વિપક્ષનાં નિવેદનની આજે પાકિસ્તાનની પાર્લામેન્ટમાં ચર્ચા થાય છે, પાકિસ્તાનનાં અખબારોમાં હેડલાઈન બને છે. એવી વાત વિપક્ષ કરે છે કે પાકિસ્તાનમાં તાળીઓ પડે. શું આ દેશહિતમાં છે?
તે દિવસ હું ભૂલી શકતો નથી...
સિવિલ હોસ્પિટલ કેમ્પસને સંબોધતા તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૦૮માં આ જ હોસ્પિટલને આતંકીઓએ નિશાન બનાવી હતી અને બોંબ ધડાકા થયા હતા તે હું ભૂલી શકતો નથી. જે જગ્યા માનવીની જિંદગી બચાવે છે ત્યાં જ રાક્ષસોએ આવું કૃત્ય કર્યું હતું અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. આથી જ આ જગ્યાએ હું જે કંઈ વાત કરીશ તે ખૂલીને કરીશ. આ તબક્કે વડા પ્રધાને આક્રોશ સાથે કહ્યું કે, મને સત્તાની ખુરશીની કોઈ જ પરવા નથી. મને ચિંતા મારા દેશની છે. મારા દેશના લોકોની સુરક્ષાની છે.
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મેડિસિટી અંતર્ગત તૈયાર થયૈલી ચાર હોસ્પિટલના લોકાર્પણ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ૧૪૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ચાર હોસ્પિટલથી લોકોને એક જ છત નીચે સારવાર આપવાનું મારું સ્વપ્ન પૂર્ણ થયું છે. આગામી સમયમાં કિડની અને હૃદયરોગની હોસ્પિટલનું કાર્ય પણ પૂર્ણ થશે.
મેડિસિટી અંતર્ગત સિવિલ કેમ્પસમાં દરરોજ ૧૦ હજાર દર્દી અને ડોક્ટર, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ મળીને ૧૦ હજાર લોકો મળી કુલ ૨૦ હજાર લોકોની અવરજવરથી મેડિસિટી નાના ગામ જેવું બનશે. જામનગરમાં પણ ૭૦૦ બેડની હોસ્પિટલનું ઉદઘાટન અને દેશભરમાં ૨૨૨માંથી ૧૫ એઇમ્સનું કાર્ય પૂર્ણ થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વેલનેસ સેન્ટરથી મેડિકલ કોલેજોની સીટો વધારાઈ છે. આ સાથે આયુષ્યમાન ભારત જેવી યોજનાથી પાંચ મહિનામાં ૧૪ લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે. ૧૧૦૦ જેટલી હોસ્ટેલ બનાવીને ૨ લાખ જેટલાં આદિવાસી વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.
મેડિસિટીમાં કઈ કઈ સુવિધાઓ?
• મેડિસિટી અંતર્ગત નવનિર્મિત ૧૨૦૦ બેડ, કેન્સર, આંખ અને ડેન્ટલ હોસ્પિટલનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું.
• ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ૨૭ ઓપરેશન થિયેટર, ૪ મલ્ટી સ્પેશિયાલિટી, જેમાં મહિલા અને બાળકો, જીરિયાટ્રીક, ૧૦૦ બેડનું એનઆઇસીયુ, પીડિયાટ્રિક અને ન્યુરો સર્જરીની સુવિધા મળશે.
• કેન્સર હોસ્પિટલમાં ન્યુમેટિક સિસ્ટમ, ૩-ડી એમઆરઆઈ, સાઇબર નાઈફ અને ૧૯ હાઈ એન્ડ ઓપરેશન થિયેટર.
• આંખની હોસ્પિટલમાં ૨૫૫ બેડ, ૧૦ ઓપરેશન થિયેટર, ૨ મોડ્યુલર ઓપરેશન થિયેટર, આઇ બેન્ક સહિતની સુવિધા.
• ડેન્ટલ હોસ્પિટલમાં ૩૬૦ ડેન્ટલ ચેર, બાળકોને દાંતની સારવાર માટે અલગ વિભાગ તેમજ દરેક રોગની સારવાર માટે અલગ અલગ ફ્લોર પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.


