અમદાવાદઃ ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની ફિક્કીના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ એ બદલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને જુદી જુદી ઔદ્યોગિક સંસ્થાઓએ પંકજ પટેલનો સન્માન સમારોહ તાજેતરમાં યોજ્યો હતો. આ સમારોહમાં ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી-ફિક્કીના નવા ચેરમેન પંકજ પટેલે ફિક્કી સાથે સંકળાયેલી વિવિધ રાજ્યોની ચેમ્બર બોડીને જોડીને એક નેશનલ કાઉન્સિલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. પંકજ પટેલની સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રહેલા અને હાલના વાહનવ્યવહાર પ્રધાન વલ્લભભાઈ કાકડિયાનું પણ સન્માન કરાયું હતું.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા અન્ય ઔદ્યોગિક સંગઠનો દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ, હાઈ વે, કેમિકલ વિભાગના પ્રધાન મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ૨૮ વર્ષ બાદ દેશની સૌથી મોટી બિઝનેસની એપેક્સ બોડીમાં ચેરમેન બનનારા આ ગુજરાતી ઉદ્યોગપતિએ કહ્યું કે, હું જ્યાં પહોંચ્યો તેમાં ઘણાએ સહકાર આપ્યો છે.


