વેળાવદરમાં ક્ષત્રિય સમાજે દલિત યુવાનનો વરઘોડો કાઢ્યો

Wednesday 22nd May 2019 06:38 EDT
 
 

ગારિયાધારઃ સમગ્ર રાજ્યમાં દલિતોના વરઘોડાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામે કાઠી ક્ષત્રિય સમાજની આગેવાની હેઠળ દલિત સમાજનો વરરાજાનો વરઘોડો યોજીને સમાજમાં એક ઉમદા વિચાર અને ભાઈચારાનો સંદેશ આપવાનો પ્રયાસ ૧૩મી મેએ કરાયો હતો.
વેળાવદરમાં ૧૩મી મેએ જીજ્ઞેશભાઈ દિનેશભાઈ વણઝારાના લગ્નના દિવસે વેળાવદર ગામના કાઠી સમાજના અનકભાઈ બોરીચા સહિતના આગેવાનોએ સાથે રહીને આ વરરાજાનો વરઘોડો યોજ્યો હતો અને ગામમાં વરઘોડો ફેરવાયો હતો. જેમાં દલિત સમાજના આગેવાનો દિનેશભાઈ વણઝારા અને હરજીભાઈ પણ હાજર રહ્યા હતા. કાઠી સમાજ દ્વારા વરરાજાને ઘોડી પર બેસાડાયો હતો તેમજ સમગ્ર વરઘોડા દરમિયાન ક્ષત્રિયોએ હાજરી આપીને સમગ્ર સમાજનાં જ્ઞાતિના વાડાઓને ફગાવી રંગેચંગે વરઘોડામાં મોજમજા કરી હતી.
ઉલ્લેખનીય છે કે લ્હોર ગામમાં દલિત યુવકના વરઘોડાના વિરોધ પછી મોડાસાના ખંભીસરમાં ગામમાં દલિત યુવાનને વરઘોડો કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મેળવવો પડ્યો હતો જ્યારે પ્રાંતિજમાં પણ દલિત યુવાનને વરઘોડો કાઢતા રોકવામાં આવ્યો હતો તે સમયમાં વેળાવદરમાં કાઠી ક્ષત્રિયોએ દલિત યુવકનો વરઘોડો યોજી વિવિધતામાં એક્તાનો સંદેશો વહેતો કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter