ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન બન્યા બાદ વિજય રૂપાણી ૨૬મી જૂનથી તેમના છ દિવસના પ્રથમ વિદેશ પ્રવાસ માટે ઇઝરાયેલ જવા રવાના થતાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને કાર્યકારી મુખ્ય પ્રધાન પદનો હવાલો અપાયાની જાહેરાત થઈ હતી. વિજયભાઈ રૂપાણી સાથે કૃષિ રાજય પ્રધાન જયદ્રથસિંહ પરમાર અને કૃષિ-સિંચાઇ વિભાગના ૮ ઉચ્ચ અધિકારીઓ પણ પ્રવાસમાં જોડાયા છે. પાણીની કટોકટી અને કૃષિ ક્ષેત્રે સમયાંતરે વિવિધ સમસ્યાઓથી ઝઝૂમતા ગુજરાત માટે ઇઝરાયેલની નવી વ્યવસ્થાપન ટેકનિક અને પ્રોજેક્ટનો અભ્યાસ કરાશે. પ્રતિનિધિ મંડળ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડિસેલિનેશન પ્લાન્ટ્સ, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ અને તેલઅવીવ મ્યુનિસિપાલિટીના કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત પણ લેશે. ઇઝરાયેલમાં ગુજરાતી સમુદાય સાથે સ્નેહ મિલન પણ યોજાશે.
નીતિન પટેલ કાર્યકારી મુખ્ય પ્રધાન
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઇઝરાયેલ જનારું પ્રતિનિધિમંડળ ઇઝરાયેલના કૃષિ પ્રધાન યુરી એરિઅલ, વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન ગીલ હસ્કેલ અને આર્થિક બાબતો તથા ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન ઇલી કોહેન સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. ઇઝરાયેલ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા-વિચારણા કરશે. આ ઉપરાંત ગુજરાતનું પ્રતિનિધિ મંડળ ઇનોવેશન બ્રિજના ઇઝરાયલી વિજેતાઓ સાથે બેઠક યોજાશે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ, એલ્બિટ સિસ્ટમ્સ, મોબિલ આઇ કોર્પોરેશન અને ડાયમંડ બુર્સની મુલાકાત લઇને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગની શક્યતાઓ પણ ચકાસવામાં આવશે.


