અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશેઃ ટ્રમ્પ

Wednesday 19th February 2020 04:16 EST
 
 

અમદાવાદઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા શાનદાર ‘નમસ્તે ટ્રમ્પ’ સમારોહને સંબોધતા કહ્યું હતું કે અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશે અને તેનો ખાત્મો કરશે. સોમવારે સવારે એરફોર્સ-વન વિમાનમાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ એરપોર્ટ પર આવી પહોંચેલા પ્રમુખ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલિનિયાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પ્રમુખ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલિનિયાએ નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. અને અહીંથી તેઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજરી આપવા મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. ટ્રમ્પ દંપતી અને વડા પ્રધાન મોદીનો કાફલો જે માર્ગ પરથી પસાર થયો હતો તેની બન્ને તરફ વિશાળ જનમેદની ઉમટી હતી. સાથોસાથ આ રૂટ પર અનેક સ્થળે શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.

પ્રમુખ ટ્રમ્પના ભાષણના અંશો

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ૮૦૦૦ માઇલ દૂર એ કહેવા આવ્યો છું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા સાચા મિત્ર છે અને તેમના નેતૃત્વમાં ભારત ઘણું સારું કામ કરી રહ્યું છે.
પ્રમુખ ટ્રમ્પે તેમના સંબોધનમાં નરેન્દ્ર મોદીની ચાવાળાથી દેશના વડા પ્રધાન બનવા સુધીની સફરની વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એક ભારતીય ધારે તે કરી શકે છે એનું નરેન્દ્ર મોદી જીવંત ઉદાહરણ છે.
આ દરમિયાન એક વખત તો પ્રમુખ ટ્રમ્પે તેમનું સંબોધન અટકાવીને મોદીનું ફરી એક વખત અભિવાદન કર્યું હતું. લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા તો ટ્રમ્પે કહ્યું કે, બધાને મોદી ગમે છે પણ હું તમને કહું છું કે એ બહુ ટફ છે.
ટ્રમ્પે મોદીના નેતૃત્વના વખાણ કરતાં કહ્યું હતું તેમના નેતૃત્વમાં દરેક ઘરમાં વીજળી પહોંચી છે. આ ઉપરાંત ટ્રમ્પે શાહરુખ ખાનની ફિલ્મ દિલવાલે દુલહનિયાં લે જાયેંગેનો ઉલ્લેખ કરીને બોલિવૂડની વાત કરી હતી. તો મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનો ઉલ્લેખ કરીને સચીન તેંડુલકર અને વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે ભારત દુનિયાનો સૌથી મોટો મધ્યમ વર્ગ ધરાવતો દેશ છે. આ દેશમાં મોદીના નેતૃત્વ મોટા ભાગના ઘરમાં ગેસ પર ખાવાનું બનાવાવમાં આવી રહ્યું છે અને અહીં દર મિનિટે ૧૨ લોકો ગરીબીમાંથી બહાર આવે છે.

‘સાથે મળીને રસ્તો કાઢશું’

ટ્રેડ-ડિલનો ઉલ્લેખ કરતાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે હું અને મોદી સાથે મળીને રસ્તો કાઢીશું. ટ્રમ્પે બીજી વાર ઉલ્લેખ કર્યો કે નરેન્દ્ર મોદી ટફ નેગોશિએટર છે.

ગુજરાતની જનતામાં થનગનાટ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘ગુજરાતની જનતા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પના સ્વાગત માટે અત્યંત ઉત્સાહિત છે. રાજ્ય વહીવટી તંત્રથી માંડીને સ્થાનિક તંત્રે પણ વિદેશી મહેમાનોના સ્વાગત અને આવકાર માટે તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતની જનતામાં પણ ભારે થનગનાટ છે.’

વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્‌ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પના હસ્તે થયા પછી સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અંદાજે સવા લાખથી વધારે લોકો ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું સોમવારે મુખ્ય પ્રધાન રૂપાણીએ સ્ટેડિયમ જઇને નિરીક્ષણ કર્યું હતું.
રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘વિશ્વના બે લોકપ્રિય અને મજબૂત નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પ મોટેરા સ્થિત સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. વિશ્વના બે નેતાઓ એક સાથે અહીં ઉપસ્થિત રહેવાના છે તે ગુજરાત અને ભારત માટે એક ગૌરવરૂપ ઘટના બની રહેવાની છે’. મુખ્ય પ્રધાન સાથે સ્ટેડિયમની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ચીફ સેક્રેટરી અનિલ મુકીમ, પોલીસ વડા શિવાનંદ ઝા, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન્ ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, અન્ય પદાધિકારીઓ પણ જોડાયા હતા.

આયોજનને આખરી ઓપ

પ્રેસિડેન્ટ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ અમેરિકાથી સીધા અમદાવાદ આવીને વડા પ્રધાન મોદી સાથે મોટેરામાં નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. સ્ટેડિયમમાં યોજાનારા આ ભવ્ય કાર્યક્રમની તર્જ ‘નમસ્તે ટ્રમ્પ’ રહેશે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના આ કાર્યક્રમમાં સવા લાખ લોકો ઉપસ્થિત રહે તેવો અંદાજ છે. મેગા શોને પગલે અમદાવાદ-ગાંધીનગરમાં દિલ્હીથી વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની આવનજાવન શરૂ થઈ હોવા છતાં હકીકત એ છે કે, હજી સુધી સમયબદ્ધ કાર્યક્રમ ફાઇનલ નથી. અલબત્ત, જે કામચાઉ શિડયુઅલ ધ્યાને લઈને પ્લાનિંગ થઈ રહ્યું છે, તેમાં ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા ૨૪ ફેબ્રુઆરીએ સવારે ૧૧:૩૦ વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવે તે પહેલાં વડા પ્રધાન મોદી લગભગ દોઢ-બે કલાક અગાઉ ૯:૩૦થી ૧૦ વાગે આવી જશે. જોકે હજીયે કોઈ સ્પષ્ટ કહી શકતું નથી કે વડા પ્રધાન ૨૩મીની રાત્રે આવશે કે ૨૪મીની સવારે.
ટ્રમ્પ ૧૦ મિનિટ એરપોર્ટ ઉપર વીતાવીને રોડ-શો દ્વારા સવા બારથી સાડા બાર સુધીમાં ગાંધી આશ્રમ પહોંચશે, ત્યાં ૧૫ મિનિટનો સમય વિતાવશે. એમને રિવરફ્રન્ટની ઝલક બતાવવા આશ્રમ પાછળ સંખેડા ઝૂલો ગોઠવાઈ શકે છે. બાદમાં તેઓ સવાથી દોઢ વાગે મોટેરા સ્ટેડિયમ પહોંચશે અને ત્યાં દોઢ-બે કલાકનો કાર્યક્રમ પતાવી ૩:૩૦ વાગે વડા પ્રધાન સાથે દિલ્હી જશે, એમ જણાવાઈ રહ્યું છે.

ગીત-ગરબા-ભાંગડાની ધૂમ

પધારો મ્હારે દેશ... મિસ્ટર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પનું માત્ર ભવ્યાતિભવ્ય જ નહીં, પણ તેમના જીવનનું એક કાયમી સંભારણું બની રહે તેવું ‘વેલકમ’ કરવા ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દિવસ-રાત એક કરી રહ્યા છે.
ટ્રમ્પ દંપતી એરપોર્ટના રનવે ઉપર પગ મૂકશે એ સાથે જ તેમને આવકારવા એરપોર્ટ બહારના ભાગથી વાયા તાજ સર્કલ-રિવરફ્રન્ટ થઈ સુભાષ બ્રિજ સુધીના લાંબા માર્ગ પર ઊભા કરાયેલા ૮ જેટલા સ્ટેજ પર દેશના વિવિધ રાજ્યોના કલાકારો તેમના રાજ્યના લોકગીતો, નૃત્યો અને સંગીતની એવી ધૂમ મચાવશે કે, આખોયે માર્ગ ગાજી ઊઠશે, ધમધમી ઊઠશે.
૨૪ x ૧૦ ફૂટના આ ૨૮ સ્ટેજ પૈકીનું એરપોર્ટ બહારનું સ્ટેજ ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિની પહેચાન કરાવશે... ગુજરાતી ગીતો ગરબા અને દાંડિયા રાસની રમઝટ મચશે, સૌરાષ્ટ્રની રાસ મંડળીઓ દાંડિયારાસની એવી ધમાલ મચાવશે કે, ખુદ ટ્રમ્પ પણ એ જોઈ હરખાઈ ઊઠશે. અહીં ગુજરાતી ફિલ્મના અભિનેતા - અભિનેત્રીઓ, રંગમંચના કલાકારો અને સંગીતકારો બાઅદબની જેમ ઊભા તો રહેશે જ પરંતુ ગુજરાતી ફિલ્મોમાંના લોકગીતો રેલાવતા રહેશે. તો ઢોલીડાઓની ટીમ વચ્ચે ધબાંક ધબાંક કરતી ઢોલ વગાડવાની એવી હરીફાઈ જામશે કે, એરપોર્ટનો સમગ્ર વિસ્તાર ધણધણી ઊઠશે. સૌરાષ્ટ્રના લોક સંગીત વાદ્યકારો ભૂંગળ, શરણાઈ અને રાવણ હથ્થા, સારંગી અને બાંસુરી વાદનની કર્ણપ્રિય ધૂનો અને સૂરો છેડશે કે, સમગ્ર વાતાવરણ સંગીતમય બની જશે, શાયદ ટ્રમ્પ અને મિસિસ ટ્રમ્પ પણ સંગીતઘેલા બની જશે.
આ ઉપરાંત અલગ અલગ રાજ્યોના સ્ટેજ પર રાજસ્થાનના પ્રચલિત પધારો મ્હારે દેશ જેવા ગીતો રજૂ થતા રહેશે, મહારાષ્ટ્રના સ્ટેજ ઉપર લાવણી નૃત્યની રમઝટ હશે. પંજાબના સ્ટેજ પર ભાંગડા ડાન્સનો ધમાકો જોવા મળશે, મણિપુરના મંજીરાનૃત્ય તથા દક્ષિણ ભારતના સ્ટેજ પર શાસ્ત્રીય સંગીત અને કથ્થક જેવા શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ જોવા મળશે. આ પ્રસ્તુતિ ભારતીય સંગીત અને ભારતીય શાસ્ત્રીય નૃત્યોની આગવી ઓળખ ઊભી કરશે.

વિદેશવાસી ભારતીયોએ પ્રવાસ તારીખ બદલી

ટ્રમ્પ-મોદીના કાર્યક્રમમાં હાજરી આપી શકાય તે માટે ૧ હજારથી વધુ એનઆરઆઇએ પ્રવાસની તારીખ બદલાવી છે. અમેરિકામાં સ્થાયી ગુજરાતીઓ લગ્ન સહિત અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા વતનમાં આવ્યા હતા. તેઓ મોટી સંખ્યામાં ટ્રમ્પના કાર્યક્રમમાં ભાગ લેશે. દર વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી એનઆરઆઇ અમદાવાદ સહિત ગુજરાતના પ્રવાસે આવે છે. જેઓ ૨થી ૩ મહિના રોકાયા બાદ પરત જતા રહે છે. જોકે, કેટલાક લોકોએ ટ્રમ્પના કાર્યક્રમમાં હાજરી આપવાના ઇરાદે ટૂર પ્રોગ્રામ બદલી રહ્યા છે.

મેગા રોડ-શો સમયે રૂટ પરની દુકાનો-હોટલો બંધ

ટ્રમ્પ-મોદીના એરપોર્ટથી ગાંધી આશ્રમ, સ્ટેડિયમ સુધીના મેગા રોડ-શો સમયે માર્ગમાં આવતી દુકાનો અને હોટલો બંધ રખાશે. તો એરપોર્ટ, શાહીબાગ, સુભાષબ્રિજ, સ્ટેડિયમ આસપાસ સોસાયટીના ધાબા પર હથિયારધારી પોલીસ ગોઠવાશે. ૨૪મીએ બપોરે એરપોર્ટથી ગાંધી આશ્રમ-મોટેરા સ્ટેડિયમ સુધી ટ્રમ્પ અને મોદીનો ૨૨ કિલોમીટરનો મેગા રોડ-શો યોજાશે. રોડ-શો તથા સ્ટેડિયમના કાર્યક્રમ દરમિયાન એરપોર્ટ તથા સુભાષ બ્રિજ સર્કલ આસપાસ અને મોટેરા સ્ટેડિયમ તરફ જવાના રસ્તા પર આવતી હોટેલો અને દુકાનો સહિત કોમર્શિયલ ધંધા-રોજગાર કે જ્યાં લોકોની અવરજવર રહેતી હોવાથી તેવા એકમો બંધ રાખવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter