ગુજરાત સરકારમાં ચીમનભાઇ સાપરિયા ઉર્જા અને કૃષિ વિભાગના કેબિનેટ પ્રધાનનો કાર્યભાર સંભાળે છે. અગાઉ, તેઓ પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ તથા તત્કાલીન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં પણ પ્રધાનપદે રહી ચૂક્યા છે. શ્રી સાપરિયાએ ર૦૦૨-૦૭ સુધી રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સેવા આપી હતી અને ર૦૦૧-ર૦૦રમાં માર્ગ-મકાન વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળ્યો હતો.
૨૦૧૨માં વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર બેઠકથી ચૂંટાયેલા શ્રી સાપરિયાની રાજકીય કારકિર્દી ખૂબ લાંબી છે. તેમણે ૧૯૮૦માં ભાજપાના જામજોધપુર તાલુકાના સભ્ય તરીકે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ૧૯૮૪થી ૧૯૯૪ સુધી જામજોધપુર તાલુકા ભાજપા પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી. પક્ષ સંગઠનમાં વર્ષો સુધી યોગદાન આપ્યા બાદ ૧૯૯૫ની ચૂંટણીમાં જામજોધપુર બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી અને જીત્યા હતા. તે પછી સતત ત્રણ ટર્મ સુધી તેઓ આ બેઠક પર ચૂંટાયા હતા.
તેમનો જન્મ ૩ નવેમ્બર, ૧૯પપના રોજ જામજોધપુર ખાતે થયો હતો. વ્યવસાયે ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. તેમના પરિવારમાં પત્ની શીલાબેન અને પુત્ર તથા બે પુત્રીનો સમાવેશ થાય છે. સાપરિયાએ અમેરિકા, યુરોપ અને આફ્રિકાનો પ્રવાસ કર્યો છે.
તેઓ જામજોધપુર નગર-પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન તથા કારોબારીના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ જામજોધપુરના સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ, સરદાર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગૌ સેવા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત રહ્યા હતા. આ ઉપરાંત, પટેલ સેવા સમાજ જામજોધપુર, સંતોકબેન નાનજીભાઇ કાલીદાસ સંચાલિત સ્કૂલમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. તેઓ રાજકીય ક્ષેત્ર ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ સક્રિય છે. ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ કોલેજકાળથી જનસંઘ સાથે જોડાયા હતા. તેઓ વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા છે.
ઉર્જા વિભાગની કામગીરી વિશે તેમણે જણાવ્યું હતું કે વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત હાલ વીજળી સરપ્લસ સ્ટેટ છે અને આગામી ૨૦૨૨-૨૩ સુધી તેમ જ રહેશે તેવી અપેક્ષા છે. ઉર્જા વિભાગ દ્વારા દર વર્ષે ૧૦૦ નવા સબસ્ટેશન તૈયાર કરવાનું લક્ષ્યાંક છે, જેથી તમામ પ્રકારના વીજ ગ્રાહકોને પૂરતા વોલ્ટેજથી ગુણવત્તાયુક્ત વીજપુરવઠો મળી રહે.
કૃષિ વિભાગ વિશે તેમણે કહ્યું હતું કે ખેડૂતો ઓર્ગેનિક (સજીવ) ખેતી તરફ વળે તે માટે ઓર્ગેનિક પોલીસી જાહેર કરાઈ છે અને કૃષિ નિષ્ણાતો ખેડૂતોને માર્ગદર્શન આપે છે. ખેડૂતોને દ્વિપાક ખેતી માટે પણ પ્રોત્સાહિત કરાય છે. આ ઉપરાંત, ખાતર અને દવાઓનો બિનજરૂરી ઉપયોગ ઘટે અને ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુણવત્તાયુક્ત અને વિપુલ પાક મેળવી શકે તે દિશામાં કામગીરી થઈ રહી છે.
૨૦૦૨માં કરેલા બ્રિટનના પ્રવાસની યાદ તાજી કરતા તેમણે કહ્યું હતું કે તે વેળા તેમણે લંડનમાં ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે કરેલી મહેમાનગતિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ સી બી પટેલે અમારી ખૂબ સરભરા કરી હતી. અમને ગુજરાતમાં જ કોઈ વડીલ મિત્રના ઘરે હોઈએ તેવી લાગણી થઈ હતી.


