મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના પ્રધાનમંડળમાં ડો. નિર્મલાબહેન વાધવાણી એકમાત્ર મહિલાસભ્ય છે, જેઓ મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો રાજ્યકક્ષાના પ્રધાનનો કાર્યભાર સંભાળી રહ્યા છે. પ્રધાનમંડળમાં તાજેતરમાં સમાવાયેલા ૧૧ ચહેરાઓ પૈકી તેઓ એક છે. તેઓ ૨૦૧૨માં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને અમદાવાદની નરોડા બેઠક પરથી ૫૫ હજારથી વધુ મતની બહુમતીથી ચૂંટાયા છે. અગાઉ, તેઓ ગુજરાત સરકારની વિવિધ સમિતિઓમાં સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. નિર્મલાબહેન સિંધી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ગુજરાત મહિલા શાખા)ના પ્રમુખપદે, મહિલા રાષ્ટ્રીય ભારતીય સિંધુ સભાના સંયુક્ત સચિવપદે, અમદાવાદ મેડિકલ એસોસિએશન (લેડીઝ વિંગ)ના પ્રમુખપદે અને સિંધી પ્રોફેશનલ સોસાયટી તેમજ ડોકટર્સ એસોસિએશનના ઉપપ્રમુખપદે રહી ચૂક્યાં છે. તેમણે વિદેશમાં ઘણા વર્કશોપ અને સેમિનારમાં ભાગ લીધો છે.
૧૭ ઓગસ્ટ, ૧૯૬૪ના રોજ જન્મેલાં નિર્મલાબહેને એમબીબીએસ, એમએસ (ઓબ્સ્ટ્રેટિકસ એન્ડ ગાયનેક), ડિપ્લોમા ઇન યુએસજી અને સીઆઇસીનો અભ્યાસ કર્યો છે. તેમના પરિવારમાં પતિ સુનિલભાઈ અને પુત્રી પિયૂષાનો સમાવેશ થાય છે, જેઓ બન્ને પણ વ્યવસાયે તબીબ છે.
ડો. નિર્મલાબહેન વિવિધ વિષયે કવિતાઓ અને લેખો લખે છે. ઉપરાંત, તેઓ ઘણા સમયથી ‘આકાશવાણી’ અને ‘દૂરદર્શન’ પર યોજાતા વાર્તાલાપમાં પણ ભાગ લે છે. તેમને સાહિત્યસર્જન, વાચન, પ્રવાસ અને ટપાલ-ટિકિટના સંગ્રહનો શોખ છે. મહિલાઓ, બાળકો અને વંચિતોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ, ફ્રી મેડિકલ કેમ્પ્સ અને આરોગ્ય જાગૃતિ કેમ્પ્સ તેમજ વિવિધ સામાજિક - સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનમાં તેમને વિશેષ રુચિ છે.
‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં ડો. નિર્મલાબહેન કહે છે કે તેઓ ઘણાં વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. મહિલા અને બાળકલ્યાણ વિભાગની કામગીરી અંગે તેઓ કહે છે કે કુપોષણ એક ગંભીર સમસ્યા છે, પરંતુ તેનો ઉકેલ બહુ મુશ્કેલ નથી. રાજ્ય સરકાર આ સમસ્યાના નિવારણ માટે પ્રતિબદ્ધ છે. આંગણવાડી કેન્દ્રોમાં ૬ માસથી ૩ વર્ષ સુધીના બાળકોને પૂરક પોષણ માટે ‘બાલભોગ’ અપાય છે. ૫૦૦ ગ્રામના રેડી-ટુ-ઈટ પેકેટમાં શીરો, સુખડી અને ઉપમા જેવા ખાદ્ય પદાર્થ હોય છે. તેમાં ખોરાકમાં જરૂરી એવા પ્રોટિન અને કેલેરી ઉપરાંત અન્ય નવ માઈક્રોન્યૂટ્રીશન્સ હોય છે.
તેમણે ઉમેર્યું હતું કે કુપોષણની સમસ્યાના નિવારણ માટે નાગરિકોએ પણ તેમના બાળકોની યોગ્ય કાળજી રાખવાની સાથે તેમને સમતોલ અને પૌષ્ટિક આહાર આપીને યોગદાન આપવું જોઈએ. ડો. વાધવાણીએ આર્થિક રીતે સક્ષમ લોકોને એક આંગણવાડી દત્તક લેવા અને પોતાના કિંમતી સમયમાંથી થોડો સમય આંગણવાડીના બાળકોને ફાળવી તેમની સારસંભાળ લેવા પણ અપીલ કરી હતી.
ડો. વાધવાણીએ કહ્યું કે સ્ત્રીઓના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્રો સખીમંડળો, મહિલા સિવણ વર્ગો, ફળો અને શાકભાજીની જાળવણી અને તાલીમ વગેરે પ્રવૃત્તિ ચલાવાય છે. આ પ્રવૃત્તિઓને વધુ મહિલાઓ સુધી પહોંચાડવા તેમનો વિભાગ કાર્યરત છે.


