મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારમાં રાજેન્દ્ર ત્રિવેદી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), યાત્રાધામ વિકાસ વિભાગનો રાજ્યકક્ષાના પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળે છે. તેઓ ગુજરાત વિધાનસભાની ૨૦૧૨ની ચૂંટણીમાં વડોદરાની રાવપુરા બેઠક પર ચૂંટાયા છે.
વર્ષ ૨૦૦૭થી ૨૦૧૨ સુધી તેમણે ગુજરાત ભાજપના લીગલ સેલના મધ્યઝોનના કન્વીનર તરીકે સેવા આપી હતી. તેમની રાજકીય કારકિર્દી ખૂબ લાંબી છે. વર્ષ ૧૯૯૩થી ૧૯૯૬ સુધી તેમણે વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખનો હવાલો સંભાળ્યો હતો અને પક્ષ સંગઠનને મજબૂત બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ત્રિવેદીએ દસ વર્ષ સુધી વડોદરામાં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે પ્રજાની સેવા કરી હતી. તે ઉપરાંત, પાંચ વર્ષ સુધી તેઓ વડોદરા મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા હતા.
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન, વાઈસ ચેરમેન અને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે તેમણે સેવા આપી છે. આ ઉપરાંત, તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સેનેટ સભ્ય છે. વર્ષ ૨૦૦૩થી ૨૦૦૬ સુધી તેઓ આ યુનિ.ના સિન્ડિકેટ સભ્ય હતા. રાજેન્દ્રભાઈનો જન્મ ૧૯ જૂન, ૧૯૫૪ના રોજ વડોદરામાં થયો હતો. તેમણે બી.એસ.સી અને એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે. ખેતી અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વાંચનનો શોખ ધરાવતા રાજેન્દ્રભાઈને કવિતા લેખન, રમતગમત અને નાટકો જોવામાં પણ રસ છે. અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. શ્રી ત્રિવેદીના પરિવારમાં પત્ની, બે પુત્ર તથા એક પુત્રી છે.
‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોલેજકાળ દરમિયાન તેઓ ક્લાસ રિપ્રેઝન્ટેટિવ અને ફેકલ્ટી રિપ્રેઝન્ટેટિવ તરીકે ચૂંટાયા હતા. તેમને સમાજના ઘડતરમાં યોગદાન આપવાની અને લોકોના પ્રશ્રો ઉકેલવામાં મદદરૂપ થવાની વિશેષ લાગણી છે.
તેમના વિભાગોની કામગીરી વિશે શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે નેશનલ ગેમ્સમાં ગુજરાત અગાઉ ૨૮મા ક્રમે હતું તે ૨૦૧૫માં ૯મા સ્થાને પહોંચ્યું છે અને તેઓ ગુજરાતને ટોચના ક્રમે લઈ જવા માગે છે. તેમણે કહ્યું કે દિવ્યાંગ ખેલાડીઓ પણ પોતાની પ્રતિભા દર્શાવી શકે તે માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. વધુમાં, રાજ્યમાં ૧૧૬ શાળામાં ઈન સ્કૂલ યોજના અંતર્ગત ૬૫ હજાર ખેલાડીઓને તાલીમ અપાય છે.
આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરનારા ખેલાડીઓને ટ્રેનિંગ અને દરેકને શક્તિદૂત યોજના હેઠળ મહત્તમ રૂ.૨૫ લાખ સુધીની સહાય કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના યુવાનોને રમતગમતની તાલીમ મળે તે માટે દરેક જીલ્લામાં સરદાર પટેલ રમત સંકુલ યોજના અંતર્ગત જીલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ દર્શન પરિક્રમા, ૩૫૮ સુવર્ણ કળશ સહિત અન્ય વિકાસકામો પૂરા થયા છે.
દ્વારકા, ડાકોર, શામળાજી, બહુચરાજી તથા પાવાગઢ ખાતે ચાલી રહેલા બીજા તબક્કાના વિકાસકામો ટૂંક સમયમાં જ પૂરા થશે. દેવની મોરી યોજના માટે રૂ. ૧૮ કરોડના કામોનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે કૈલાસ માનસરોવરના ૧,૨૭૩ યાત્રિકોને રૂ.૨.૯૩ કરોડની સહાય ચૂકવાઈ છે.


