મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની સરકારમાં ગણપતસિંહ વસાવા આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગના કેબિનેટ પ્રધાનનો કાર્યભાર સંભાળે છે. ૨૦૧૧માં ગુજરાત વિધાનસભાના સૌથી નાની વયના અધ્યક્ષ બનવાની સાથે તેઓ આદિજાતિ સમાજના પ્રથમ અધ્યક્ષ બનવાનું ગૌરવ ધરાવે છે. ૨૦૧૨થી ૨૦૧૪ સુધી તેમણે કેબિનેટ પ્રધાન તરીકે વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ, વૈધાનિક અને સંસદીય બાબતો તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો. ૨૦૧૪થી ઓગસ્ટ ૨૦૧૬માં કેબિનેટ પ્રધાન વરણી થઇ ત્યાં સુધી વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી.
ર૦૦રથી ભાજપના સુરત જિલ્લાના માંગરોળના ધારાસભ્ય તરીકે સેવા આપતા શ્રી વસાવા પક્ષના ગુજરાત પ્રદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. તો ગુજરાત વિધાનસભા અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ સહિતની વિવિધ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. ખેતી અને સમાજસેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગણપતભાઇનો જન્મ પહેલી જૂન ૧૯૭૧ના રોજ થયો છે. તેઓ એક પેટ્રોલપંપના માલિક પણ છે. ગુજરાત યુનિવર્સિટીથી અનુસ્નાતક થયેલા વસાવા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામના વતની છે. પરિવારમાં પત્ની નીલમબેન અને બે સંતાનો - પુત્ર પ્રદ્યુમ્નસિંહ તથા પુત્રી વૈદેહી છે. વાંચન અને રમતગમતમાં સવિશેષ ક્રિકેટ અને કબડ્ડીમાં રૂચિ ધરાવતા વસાવાએ યુકે, ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ અને શ્રીલંકાનો વિદેશ પ્રવાસ કર્યો છે.
સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમણે સામાજીક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. આર્થિક પછાત ગરીબ વર્ગોને મદદરૂપ થવા અત્યાર સુધીમાં ટ્રસ્ટે આઠ સમુહ લગ્નોત્સવ યોજીને ૧,૩૫૧ યુગલોના વિવાહ કરાવ્યા છે. ગરીબોને આજીવિકા માટે ૧૧ હજાર ગાય તથા ખેડૂતોને ખેત ઉપયોગ માટે ૪,૦૦૦ બળદ જોડીનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત, રમતગમત કૌશલ્યની સ્પર્ધા, પશુ સારવાર શિબિરો, વિકલાંગ સેવા સહાય, ગરીબ અને વનબંધુ પરિવારો માટે અન્નદાન - વસ્ત્રદાન, કુદરતી આફતો સમયે અસરગ્રસ્તો માટે રાહત કાર્યો તથા સંત-મેળાવડા યોજીને આદિવાસીઓમાં વ્યસનમૂકિતની ઝૂંબેશ ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે.
‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં ગણપતસિંહ વસાવા કહે છે કે તેમને કોલેજકાળ દરમિયાન જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપમાં ઘણી જવાબદારી સોંપાઇ હતી. સામાજિક સેવાના ઘણા કાર્યોસર વર્ષોથી તેઓ સહારા માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકીય જગત સાથે સંકળાયેલા હતા. આ સામાજિક કાર્યોે તેમને રાજકીય જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી.
તેઓ કહે છે કે વન વિભાગનું લક્ષ્ય ગ્રીન કવરના વિસ્તરણનું અને પર્યાવરણ સુરક્ષાનું છે. ટુરિઝમ વિભાગનું લક્ષ્ય દેશવિદેશથી વધુને વધુ પ્રવાસીઓને ગુજરાતની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. રાજ્યના પ્રવાસન સ્થળો પર વધુ સારી પ્રાથમિક સુવિધા ઉભી કરવાનું મારું ધ્યેય છે. વધુમાં તેઓ કહે છે કે જંગલની જમીન ખેડતા આદિવાસીઓને ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળ જમીન અંગેના વધુ અધિકારો મળે અને તેમના જીવનમાં ગુણાત્મક સુધારો થાય તે દિશામાં વધુ અસરકારક કાર્ય કરવાનું લક્ષ્ય છે.
બ્રિટન પ્રવાસની યાદ તાજી કરતા શ્રી વસાવાએ જણાવ્યું હતું કે તે વેળા તેમણે લંડનમાં ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે દર્શાવેલા ઉષ્માપૂર્ણ આદરસત્કાર અને આતિથ્યભાવનાના કારણે તેમને પરદેશની ધરા પર નહીં, પરંતુ ગુજરાતમાં જ હોવાની અનુભૂતિ થઈ હતી.


