ગુજરાતમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં તાજેતરમાં રચાયેલા પ્રધાનમંડળના વરિષ્ઠ સભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મહેસૂલ, શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોનો કાર્યભાર સોંપાયો છે. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સરકાર વેળા શિક્ષણ અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગ સંભાળી ચૂકેલા ભૂપેન્દ્રસિંહજી સાતમી વખત કેબિનેટ પ્રધાન બન્યા છે.
પ્રથમ વખત કેબિનેટ પ્રધાન બનીને તેમણે ગુજરાત વિધાનસભામાં ધોળકા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના સંસદીય બોર્ડના સભ્ય એવા ભૂપેન્દ્રસિંહજી ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાના કાર્યને આગળ ધપાવવામાં મહત્ત્વનું યોગદાન આપી ચૂક્યા છે.
શ્રી ચુડાસમાની રાજકીય કારકિર્દી ખૂબ લાંબી છે. એક નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે તેમણે ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ હોદ્દા પર ઉત્કૃષ્ઠ ફરજ બજાવી છે. પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહામંત્રી પદે રહી ચૂકેલા શ્રી ચુડાસમાએ ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ અમદાવાદ શહેર-જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ સુપેરે નિભાવી છે.
૧૯૬૦માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં જોડાઈને ૧૯૬૭ સુધી પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે રાજ્યભરનો પ્રવાસ કરી ચૂકેલા ચુડાસમા આરએસએસની ‘વિશ્વ મંગલ ગૌ ગ્રામયાત્રા’ના પ્રદેશ સંયોજક ઉપરાંત ભારતીય જનતા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી પદે કાર્યભાર સંભાળી ચૂક્યા છે.
અનેક સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા ચુડાસમા માટે જળસંચય શરૂઆતથી જ રસનો વિષય રહ્યો છે. ગ્રામ્યવિસ્તારના પાણીપ્રશ્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેનું ઉત્તમ ઉદાહરણ ધોળકા પ્રાથમિક શાળા છે. આ શાળામાં તેમના પ્રયત્નોથી જ ૧૯૯૫માં વરસાદી જળસંચય પ્રણાલિનું મોડેલ વિક્સાવાયું હતું.
૮ મે, ૧૯પ૦ના રોજ જન્મેલા ચુડાસમાનું મૂળ નિવાસસ્થાન અમદાવાદથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલું ધોળકા છે. બી.એ. (અંગ્રેજી), બી.એડ. (અંગ્રેજી, હિન્દી), એલ.એલ.બી.સુધીનું શિક્ષણ મેળવીને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ચુડાસમાના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રીનો સમાવેશ થાય છે. યુએસ, યુકે, ઈઝરાયલ, બેલ્જિયમ, કેનેડા, સ્પેન અને સ્વીડન જેવા દેશોનો પ્રવાસ ખેડી ચૂકેલા ભાજપના આ પીઢ નેતા કૃષિ, વાંચન અને યુવા પ્રવૃત્તિમાં વિશેષ અભિરૂચિ ધરાવે છે.
ચુડાસમાએ ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૪૪ વર્ષથી સક્રિય રાજકારણમાં છે. અગાઉ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા અને સંઘ દ્વારા તેમને જનસંઘમાં જવાબદારી સોંપાઇ હતી. શિક્ષણ વિભાગના ભાવિ આયોજન અંગે તેઓ કહે છે કે તેમનું લક્ષ્ય રાજ્યમાં પ્રાથમિક ધોરણથી માંડીને યુનિવર્સિટી સુધી ઈતર પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, સંગીત વગેરેની સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે.
મહેસૂલ વિભાગની કામગીરી સંદર્ભે તેમણે કહ્યું હતું કે તેઓ આ વિભાગને લગતા પ્રશ્રોના ઝડપી નિકાલની સાથે સાથે રાજ્યની પ્રજાને પારદર્શક વહીવટ આપવા સતત પ્રયત્નશીલ છે.


