વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબને મુખ્ય પ્રધાને જન્મદિને શુભેચ્છા પાઠવી

Wednesday 18th December 2019 06:07 EST
 
 

સુરતઃ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ સુરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડો. સૈયદના આલીકદર મુફદલ સેફુદીન સાહેબના ૭૬માં જન્મદિને ૧૬મી ડિસેમ્બરે શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય પ્રધાને દાઉદી વ્હોરા સમાજના ૫૩માં ધર્મગુરુ ડો. સૈયદના સાહેબના આશીર્વાદ પણ મેળવ્યા હતા. સમાજના બાવનમાં ધર્મગુરુ ડો. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ૧૦૯મા જન્મદિનની ઉજવણી પણ આ પ્રસંગે કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય પ્રધાને દાઉદી વ્હોરા સમાજના ૧૯૨ યુગલોના સમૂહલગ્નોત્સવમાં નવદંપતીઓને આશીર્વાદ પાઠવી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતીઓનું લગ્નજીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. સૈયદના સાહેબના શિક્ષણ, પર્યાવરણની ચિંતા કરી સમાજને શિક્ષિત, પ્રગતિશીલ બનાવવાના પ્રયાસોને મુખ્ય પ્રધાને બિરદાવ્યા હતા. સૈયદના સાહેબ તેમના જ્ઞાન થકી સમાજ, રાજય અને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહે એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી. મેયર જગદીશભાઈ પટેલ, સાંસદ દર્શનાબહેન જરદોશ, સાંસદ સી. આર. પાટીલ, ધારાસભ્ય હર્ષ સંધવી, અરવિંદ રાણા, ઝંખનાબહેન પટેલ આ અવસરે મુખ્ય પ્રધાન સાથે જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter